ડીસા: વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળાના આચાર્યને કોર્ટે ફટકારી પાંચ વર્ષની સજા
બનાસકાંઠા: ડીસા તાલુકાની એક શાળામાં ચાર વર્ષ અગાઉ શાળાના આચાર્ય દ્વારા જ 13 વર્ષની વિદ્યાર્થિની શારીરિક છેડતી કરવાના ગુનામાં ડીસાના એડિશનલ સેશન્સ જજે આચાર્યને પાંચ વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. ખુદ શાળાના આચાર્ય દ્વારા જ દીકરી સમાન વિદ્યાર્થિની સાથે બળજબરી કરી નૈતિક અધઃપતનના આ બનાવની ચોમેર ટીકા થઈ હતી. આ કેસમાં આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ચારેક વર્ષ અગાઉ ડીસા તાલુકાની એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમારે (રહે. કુંભાસણ, તાલુકો. પાલનપુર) શાળાની 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી બીભત્સ વર્તન કર્યું હતું. આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીને અવારનવાર બહાર લઈ જવાનું કહેવામાં આવતું હતું. આ ઉપરાંત તારીખ 14 ઓગસ્ટ, 2017ના રોજ બ્રેક દરમિયાન આચાર્યએ વિદ્યાર્થિનીને એકલા ઓફિસમાં બોલાવી હતી. આ દરમિયાન નરાધમ આચાર્યએ વિદ્યાર્થિનીને પકડીને બળજબરી પૂર્વક ચુંબન કર્યું હતું. વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા આચાર્યએ તેણીને લાફો મારી દીધો હતો અને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.