અમદાવાદમાં લૂંટારૂ ગેંગનો આતંક વધ્યો, ફાયરિંગ કરી સોનીની દુકાનમાંથી રોકડા અને દાગીનાની મચાવી લૂંટ

અમદાવાદ : શહેર પોલીસ માટે નવું વર્ષ જાણે કે એક પડકાર લઈને શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે, નવા વર્ષની શરૂઆત પહેલાથી જ અમદાવાદ શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓ બની રહી છે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે વસ્ત્રાલમાં પૈસાની લેતી દેતીમાં છ રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા, મેઘાણી નગરમાં કરોડોના સોનાના દાગીનાના પાર્સલની લૂંટ, મેઘાણીનગરમાં હત્યાનો બનાવ અને બાદમાં ઠક્કરબાપા નગર બ્રિજ પાસે ફાયરીંગ કરી લૂંટનો બનાવ. તો વળી રવિવારે મોડી સાંજે નિકોલ વિસ્તારમાં લુંટારૂ ગેંગે આતંક મચાવતા જ્વેલર્સમાં લૂંટને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કર્યું છે.
નિકોલ વિસ્તારના ઉમિયા ચોકમાં આવેલા વિરલ ગોલ્ડ પેલેસના માલિક માટે રવિવાર ભારે સાબિત થયો છે. જ્વેલર્સના માલિક દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ચાર લુંટારૂઓ દુકાનમાં ઘુસી આવ્યા હતા અને લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું. જોકે, દુકાનદાર પ્રતિકાર કરતા લૂંટારુઓએ તેને માર પણ માર્યો હતો. અને અંદાજીત રૂપિયા 2.5 લાખ રોકડ તેમજ 4 લાખની આસપાસના સોના ચાંદીનાં દાગીનાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે.