गुजरात

કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji Dham Thakor Samaj new bandharan mahasamelan



Thakor Samaj Bandharan: બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે દિયોદર તાલુકાના ઓગડજી ધામ ખાતે એક મોટું બંધારણ મહાસંમેલન યોજ્યું, જેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને મોકમાન્ય સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી તેને અમલમાં મૂક્યું. આ બંધારણ મહાસંમેલનમાં સંતો ઉપરાંત તમામ પક્ષના રાજકીય નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજ એકઠો થયો હતો. જેમાં એક સૂરે નવું બંધારણ અમલમાં લાવવા માટે હાકલ કરી હતી.

કોને શું કહ્યું?

બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શિખવું પડશે ઈર્ષા કરવાથી મેળ નહી પડે, બંધારણ બન્યું તેની અમલવારી જરૂરી: અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણ

હું ખોળો પાથરીને ભીખ માંગુ છું કે, જેમ બધા સમાજો ભેગા થાય છે તેમ આપણો ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં સદારામબાપુના નામે ભેગો થાય તે માટે સદારામ ધામ બને: ગેનીબેન ઠાકોર, સાંસદ, બનાસકાંઠા

શક્તિશાળી સમાજ માટે આળસને દૂર કરો: કેશાજી ચૌહાણ, દિયોદર ધારાસભ્ય

16 મુદ્દાનું બંધારણ અમલમાં આવે એટલે બધાએ પાળવાનું છે: લવીંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુર

હવે શિક્ષણનો પ્યાલો પીવાની પણ જરૂર: અમરતજી ઠાકોર, ધારાસભ્ય કાંકરેજ

ગેનીબેને બંધારણનું વાંચન કર્યું

તારીખ:15/11/2025ને શનિવારના રોજ 14-00 કલાકે ઠાકોર સમાજ છાત્રાલય, દિયોદર ખાતે સમસ્ત ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં ચર્ચવામાં આવેલ મુદ્દાઓને સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સમક્ષ મૂકી વાંચન કર્યું હતું. અને આજ (4 જાન્યુઆરી 2026)થી ઠાકોર સમાજમાં નવા બંધારણને અમલી બનાવવામાં આવ્યું છે. જેમાં 16 જેટલા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. 

(1) સગાઈ પ્રસંગ.

-સગાઈમાં પુરુષ અને મહિલા મળી 21 વ્યક્તિએ જવું. તેનાથી વધારે વ્યકિતઓ સગાઈમાં જઈ શકશે નહીં.

-સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહી. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં.

-સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે. 

-સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે. એક જોડી કપડાં લઈ જવા.

-જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા જવાની) પ્રથાને બંધ કરવી.

(2) લગ્ન લખવાના પ્રસંગ.

-લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.

-સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે.

-લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી. સાદુ કાર્ડ રાખવું હોય તો રાખી શકાય.

-મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે.

-ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી.

-સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી. નારાજગી રાખવી નહી.

(૩) જાન લઈ જવાના પ્રસંગ.

-સનરૂફ ગાડી લાવવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.

-જાનમાં 11 (આગિયાર) થી વધારે વાહનો લઈ જવા નહી.

-જાનમાં ગાડીઓની લાઇન લગાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે.

-જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ 100 થી વધુ વ્યક્તિ બિલકુલ લઈ જવી નહીં.

-વ્યક્તિની સંખ્યામાં 10 વર્ષથી ઉપરનો બાળક વ્યક્તિ ગણાશે.

-જાનનો વરઘોડો -મામેરું કે જાનમાં ડીજે લઈ જવુ નહી.

(4) સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ)

-બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈપણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી.

-લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો આથી બંધ કરવામાં આવે છે.

-જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે.

-જાનમાં શરણાઈ વગાડી શકાશે.

(5) જમણવારનો પ્રસંગ

-જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી રાખવાની રહેશે. આનાથી વધારે અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહી.

(6) મામેરાનો પ્રસંગ

-મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100ની સંખ્યા લઈ જવાની રહેશે.

-મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે.

-મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે.

-મામેરામાં ઓછામાં ઓછા 11 (અગિયાર હજાર) અને વધુમાં વધુ 1,51,000/- (એક લાખ એકાવન હજાર) રોકડમાં માંડવે મામેરુ ભરવાનુ રહેશે.

-મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં.

(7) આંણાનો પ્રસંગ.

-કન્યાને તેડવા જવાનો-આંણુ મુકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે.

-કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે.

(8) પૂરગત મુકવાનો પ્રસંગ.

-પૂરગતમાં વાટલું, કળસિયો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે.

-ભેટ (ગીફટ) પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.

(9) બોલામણા પ્રથા

-બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે.

(10) જન્મદિવસ પ્રસંગ

-જન્મ દિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ કરવામાં આવે છે.

-જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાયબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે.

(11) મૈત્રી કરાર

-મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ-લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવુ નહી.

(12) નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ

-સમાજના કોઈપણ સારા- ખોટા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી- અફીણ- ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી.

(13) મરણ પ્રસંગ

-મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં.

-બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણવો.

(14) લગ્નની તારીખો નક્કી કરવા બાબત

-વર્ષમાં બે માસ સમાજને લગ્ન માટે નક્કી કરવામાં આવે છે. 

-વૈશાખ સુદ 1 (એકમ) થી 15 (પૂનમ) સુધી.

-મહા સુદ 1 (એકમ) થી 15 (પૂનમ) સુધી.

-ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે. અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં.

(15) સામાજિક ફાળો

-લગ્ન- જન્મ- મરણ- પુણ્યતિથિ- સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછો રૂપિયા 500 (પાંચસો) અને અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે.

(16) અન્ય બાબતો

-દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતિ ફરજીયાત બનાવવી. જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય.

-દરેક ગામમાં કુટુંબ પ્રમાણે વ્યક્તિઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતી બનાવવી.



Source link

Related Articles

Back to top button