સુરત: 1 કરોડ 15 લાખનો ગાંજો ઝડપાયો, ખીચોખીચ બોરીઓથી ભરેલું હતું ઘર

સુરત: સુરત ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા મળી છે. પલસાણાનાં સાકી ગામમાં આવેલી શ્રી રેસિડન્સીમાંથી એક કરોડ અને 15 લાખની કિંમતોનો ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજીએ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. આટલા મોટા પ્રમાણમાં ગાંજો ઓડિશાથી લાવવામાં આવતો હતો.
ઘરમાં ભરેલો હતો 1143 કિલો ગાંજો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત એસઓજી પોલીસે સાકી ગામમાંથી કરોડોનો ગાંજો પકડી પાડ્યો છે. ગામનાં શ્રી એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલા 204 નંબરનાં ઘરમાંથી 1143 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે હાલ વિકાસ બુલી નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ 1143 કિલોગ્રામ ગાંજાની બજાર કિંમત 1 કરોડ અને 15 લાખ આંકવામાં આવી રહી છે. આરોપીઓ ઓડિશાથી મોટા જથ્થામાં ગાંજો લાવીને છૂટક વેચતા હતા.
પોલીસ કરશે સઘન તપાસ
હાલ પોલીસ ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરશે આ સાથે તેના ઘર અને મોબાઇલની પણ તપાસ કરશે. આ લોકો ક્યારથી આ નશાનો કારોબાર કરતા હતા અને કયા કયા વિસ્તારોમાં કોને કોને આ નશીલો પદાર્થ આપતા હતા તે અંગેની પણ સઘન તપાસ કરશે.