ગુજરાતનાં 240 તાલુકામાં ખાબક્યો વરસાદ: હજી આ વિસ્તારોમાં છે ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં અષાઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. રવિવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 12 કલાકમાં કુલ 209 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કાલાવાડ 6 ઈંચ અને કપરાડામાં 5 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદનાં આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ, કવાંટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 45 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 94 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથક મેઘરાજા મન મુકીને વર્ષ્યા છે. અમદાવાદમાં પણ આખો દિવસ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.