Gujarat cabinet : ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ સૌથી ધનવાન, અર્જૂનસિંહ સૌથી ગરીબ
ગાંધીનગર: ગુજરાતની નવી કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ ગુરૂવારે યોજાયો હતો. રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. મંત્રીઓની ચૂંટણી સમયે એફિડેવિટમાં દર્શાવવામાં આવેલી સંપત્તિ પર નજર કરવામાં આવે તો આ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં મુખ્યમંત્રી ઉપરાંત 17 મંત્રીઓ કરોડપતિ છે, જ્યારે 5 મંત્રીઓની સંપત્તિ 25 લાખથી વધુ અને 1 કરોડથી ઓછી છે. જ્યારે બે મંત્રીની સંપત્તિ 25 લાખ કરતા ઓછી છે.
મંત્રીમંડળમાં સૌથી વધુ સંપત્તિઓની વાત કરવામાં આવે તો વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની સંપત્તિ સૌથી વધારે છે. ઋષિકેશ પટેલની સંપત્તિ 14.95 કરોડ રૂપિયા છે. જ્યારે જગદીશ પંચાલની સંપત્તિ 14.75 કરોડની આસપાસ છે. કુબેર ડિંડોરની સંપત્તિ 10.94 કરોડ, જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીની સંપત્તિ 6.74 કરોડ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 6 મંત્રીઓની સંપત્તિ ત્રણ કરોડથી 5 કરોડ કે તેની આસપાસ છે. જેમાં કનુભાઈ દેસાઈની 5.77 કરોડ, દેવાભાઈ માલમની 5.23 કરોડ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની 5.19 કરોડ, જીતુ વાઘાણીની 4.69 કરોડ, વિનોદ મોરડિયાની 3.49 અને મુકેશ પટેલની 3.12 કરોડ રૂપિયા છે.
નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં 8 મંત્રીઓની સંપત્તિ 1થી બે કરોડ કે તેની આસપાસ છે. જેમાં કિરીટસિંહ રાણાની 2.22 કરોડ, હર્ષ સંઘવીની 2.12 કરોડ, જીતુ ચૌધરીની 1.44 અને આર.સી.મકવાણાની 1.29 કરોડની સંપત્તિ છે.