ભૂપેન્દ્ર પટેલ: ગુજરાતનાં નવા CM બનવાનું મોટું કારણ હોય શકે 2017ની ચૂંટણીમાં હાઇએસ્ટ લીડ!
અમદાવાદ : વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ રવિવારે, 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. ઘાટલોડિયામાં તેમને ‘દાદા’ ના (Dada) હુમલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ગુજરાતનાં સીએમની રેસમાં ક્યાંય ન હતા છતાં તેમનું નામ સામે આવતા બધાને આશ્ચર્ય થયુ છે. આ નિર્ણય પાછળ અનેક કારણો હોય શકે છે. જેમાંથી એક મુખ્ય કારણોમાંનું એક વર્ષ 2017ની ગુજરાત વિધાનસભામાં હાઇએસ્ટ લીડથી જીત્યા હોવાનું રાજકીય નિષ્ણાતો જોઇ રહ્યા છે.
પહેલીવારની જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ 1.17 લાખની હાઈએસ્ટ લીડથી જીત્યા હતા. આ લીડે તેમને ગુજરાતના લીડર બનવા સુધી ખેંચી લઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ભુપેન્દ્ર પટેલને સીએમ પદે નિમવા પાછળ તેમની આ જીત પણ એક મહત્વનું કારણ છે. આનંદીબેન પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાંથી પહેલી જ વારની ચૂંટણીમાં આટલી બધી લીડ સાથે જીતીને ભુપેન્દ્ર પટેલે રેકોર્ડ કર્યો હતો.
સવારે અણસાર પણ ન હતો અને બપોરે સીએમ બન્યા
ભુપેન્દ્ર પટેલને અણસાર પણ ન હતો કે, રવિવારની બપોર તેમના રાજકીય કારકિર્દીમાં અણધાર્યો વણાંક આવશે. અમદાવાદમાં રવિવારે સવારે બોપલમાં ભૂપેન્દ્ર પટેલ સંગઠનના કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને આગામી દિવસોમાં આયોજીત કાર્યક્રમની માહિતીથી વાકેફ કર્યા હતાં. આ ઉપરાંત જાતે પાવડાથી ખાડો ખોદી વૃક્ષ રોપ્યુ હતું.
ઘાટલોડિયામાં દિવાળી જેવો માહોલ હતો
ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. જેમાં હાજરી આપવા માટે દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. નોંધનીય છે કે, નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોના આશીર્વાદ લીધા હતા. દરમિયાન નારણપુરાના ધારાસભ્ય કાર્યાલયે દિવાળી જેવો માહોલ હતો.