પાર્ટીએ મને જ્યારે મોટી મોટી જવાબદારી આપી છે ત્યારે કોઇને કોઇ પ્રશ્ન ન હતો: નીતિન પટેલ
ગાંધીનગર: આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સમારોહ યોજાવવાનો છે. ત્યારે શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે બાદ નીતિન પટેલે મીડિયા સાથે મહત્ત્વની વાતો પર સ્પષ્ટતા આપી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ સાથે મારા સંબંધો મુખ્યમંત્રીના સંબંધો નથી અમારા સંબંધો પારિુવારિક, વર્ષો જૂના સંબંધો છે. જેના કારણે જ તેઓ આજે મને મળવા આવ્યા હતા.
‘મેં ભૂપેન્દ્ર પટેલને માતાજીના દર્શન કરાવીને મોં મીઠું કરાવ્યું’
નીતિન પટેલે પહેલા જ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગઇકાલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ મારે મહેસાણામાં પૂર્વ આયોજિત કાર્યક્રમ હતો. જેની પત્રિકા વહેંચાઇ ગઇ હતી અને મંડપ પણ બાંધી દેવાયો હતો. જેથી હું મંજૂરી લઇને મહેસાણા ગયો હતો. ત્યાં પણ હાજર બે હજાર લોકોને મેં સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની વિનંત કરી હતી. ત્યાં હાજર તમામ લોકોએ ઉભા થઇને તાળી વગાડીને નવા મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા આપી હતી. અમારા સંબંધો મુખ્યમંત્રીના સંબંધો નથી અમારા સંબંધો પારિુવારિક, વર્ષો જૂના સંબંધો છે. તે સંબંધે જ આજે સવારે તેમનો મને ફોન આવ્યો એટલે જ શુભેચ્છા મુલાકાત માટે તેઓ આવ્યા હતા. આજે મેં તેમને માતાજીના દર્શન કરાવીને મોં મીઠું કરાવ્યું છે.
‘લોકોના મનમાં સ્થાન મળે તે મોટી વાત છે’
કાલના નિવેદનમાં નારાજગી અંગે તેમણે જણાવ્યું કે, અમારી ભારતીય જનતા પાર્ટી સંગઠન છે. મેં વારંવાર કહ્યું છે કે, હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી જ આ પાર્ટીનો કાર્યકર છું આજે પણ કાર્યકર છું. પાર્ટી જે પણ જવાબદારી આપશે તે કામ કરીશ. કોઇ સ્થાન માટે નહીં પરંતુ લોકોના મનમાં સ્થાન મળે તે વધારે છે.
‘ભાઈ ખાલી હું નહીં ભલભલા રહી ગયા છે’
રવિવારે સાંજે મહેસાણામાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં આવેલા નીતિન પટેલે રોડના ખાતમહૂર્ત સહિતના વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મંચ પરથી તેઓ બોલ્યા હતા કે, ‘ગઈકાલથી મીડિયામાં અનેક નામોને અટકળો ચાલી રહી હતી. લોકો મને કહે છે કે તમે રહી ગયા પણ ભાઈ ખાલી હું નહીં ભલભલા રહી ગયા છે.