વડોદરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, હજી રાજ્યમાં ચાર દિવસ પડશે સાંબેલાધાર વરસાદ
વડોદરા : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ અને સમુદ્ર કાંઠા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે મેઘરાજા માકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે વડોદરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
વડોદરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો
વડોદરા શહેરમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં પાદરા તાલુકામાં 52 મિ.મિ., વાઘોડિયામાં 12. મિ.મી. અને શિનોર તાલુકા પંથકમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તે બાદ વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેર જળબંબાકાર બની ગયું હતું.
શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ
વડોદરા શહેરમાં રાત્રે 8:30 વાગ્યા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 ઇંચ ઉપરાંત વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સાથે શહેરના એમ.જી.રોડ, ચોખંડી, વાઘોડિયા રોડ, પાણીગેટ રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, સુભાનપુરા,એ ગોત્રી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા.