જન્માષ્ટમીના દિવસે ચોટીલા દર્શન કરવા જતી સગર્ભાની ડુંગરના પગથિયા પર જ થઇ પ્રસૂતિ, દીકરીને આપ્યો જન્મ

સુરેન્દ્રનગર: શ્રાવણના ચોથા સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીનો શુભ સંયોગ હતો. જેથી માઇ ભક્તો મોટી સંખ્યામાં ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે પગથિયાં ચઢી રહેલી સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી અને મહિલાની પગથિયા પર જ પ્રસૂતિ થઇ હતી. મહિલાને દીકરીને જન્મ આપ્યો હતો. જે બાદ 108 આવી જતા માતા અને દીકરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માતાએ પગથિયા પર જ દીકરીને જન્મ આપ્યો
અમે પહોંચ્યા ત્યારે માતા અને દીકરીને નીચે લાવવામાં આવ્યા હતા
આ અંગે 108 એમ્બ્યુલન્સની ટીમે જણાવ્યું હતું કે, આ મહિલાને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે પગથીયા ચઢતા સમયે અડધા રસ્તે પ્રસૂતિનો દુ:ખાવો ઉપડતા પગથીયામાં જ દીકરીને જન્મ આપ્યો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલા અને નવજાત બાળકીને નીચે લઇ આવ્યા હતા અને નાળ હજૂ જોડાયેલી હતી આથી એને 108 એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલે લઇ જવાયા બાદ મોડેથી રજા પણ આપી દેવામાં આવી હતી.
મોટી સંખ્યામાં માનવ મહેરામણ
મહત્ત્વનું છે કે, કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાં માટે મોટીસંખ્યામાં માનવમેદની ઊમટી પડ્યા હતા. આ ભીડમાં પણ લોકો શ્રદ્ધાથી પગથિયા ચડતા હતા. પવિત્ર શ્રાવણ માસના સાતમ અને આઠમના તહેવારોને કારણે લોકો પરિવારજનો સાથે રજા માણવા નીકળ્યા હતા. બીજી બાજુ પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવાર અને જન્માષ્ટમીમાં ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડ્યા હોવાથી હાઇવે રોડ પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા..