સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતી મંદિર બનશે, PM મોદી 20 ઓગસ્ટે કરશે શિલાન્યાસ
સોમનાથ: કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર શ્રાવણ માસની 20 ઓગસ્ટે સોમનાથની આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે. આ સાથે જ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરની ચારે બાજુ બનાવવામાં આવેલા પરિપથનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન પ્લેટફોર્મ પર સોમનાથ એક પર્યટન સોમનાથ એક્ઝિબિશન સેન્ટર, નવીનીકરણ કરેલા જૂના સોમનાથ મંદિરના વિસ્તારનુ લોકાર્પણ કરશે અને રાષ્ટ્રને સર્મિપત કરશે.
આ કામોનું લોકાર્પણ-શિલાન્યાસ થશે
જગવિખ્યાત સોમનાથ મંદિર યાત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે એ હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા (અહિલ્યાબાઇ મંદિર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) પરિસરનાં વિકાસકામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતી મંદિરનું સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ-શિલાન્યાસ વિધિ થશે.