પોતાના જ દગો કરી ગયા! કોરોનામાં કાકાના મૃત્યુ બાદ ભત્રીજાને જાગી રૂપિયાની ભૂખ, 11.64 લાખ કરી ગયો ચાંઉ
અમદાવાદ: પોતાના જ દગો આપી જાય તો પારકાની શું જરૂર આવી એક કહેવતને બંધ બેસતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકના કાકાને કોરોના થતા તે સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં કાકાની સારવાર ચાલી રહી હતી ત્યારે તેઓ ફોન અને આધાર કાર્ડ લઈને ગયા હતા. વૃદ્ધ કાકાની સારવાર ચાલી રહી હતી પણ બાદમાં તેઓનું અવસાન થતા ફોન અને આધારકાર્ડ ભત્રીજાએ રાખ્યા હતા.
કાકાના અવસાન બાદ પણ ભત્રીજાએ કાકાના મૃત્યુનું દુઃખ કર્યા વગર પોતાની રૂપિયા પ્રત્યેની ભૂખ સંતોષવા અવસાન પામેલા કાકાના એકાઉન્ટમાંથી 11.64 લાખ ટ્રાન્સફર કરી લીધા હતાં. વૃદ્ધ કાકાના અવસાન બાદ તેમની પત્નીને નાણાંની જરૂર પડતા તેઓ બેંકમાં ગયા ત્યારે એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. જેથી તપાસ કરી તો આ ઘટના સામે આવી અને બાદમાં કાકીએ જ ભત્રીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ પાટણના 62 વર્ષીય મધુબહેન પટેલ અમદાવાદમાં શ્રેયસ ક્રોસિંગ પાસેના એક ફ્લેટમાં તેમના પતિ સાથે રહેતા હતા. તેમના બને દીકરા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયા છે. તેમના પતિનું કોરોનાના કારણે અવસાન થયું હતું. થોડા માસ પહેલા તેમના પતિ જયંતીલાલને કોરોના થતા તેમના ભત્રીજા મીનેશ પટેલ અને રજની પટેલ સારવાર માટે સિવિલ ખાતે લઈ ગયા હતા. તેમના પતિ સારવાર માટે ગયા ત્યારે ફોન અને આધારકાર્ડ લઈ ગયા હતા. બાદમાં મધુબહેનને પણ કોરોના થતા તેઓ સુરત જતા રહ્યા હતા અને આઇશોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન 26 એપ્રિલ 2021ના રોજ તેમના પતિનું સિવિલમાં અવસાન થયું હતું. પણ મધુબહેન સુરત હોવાથી પતિનો ફોન અને આધાર કાર્ડ મીનેશ નામના ભત્રીજાએ પોતાની પાસે રાખી લીધા હતા.