ચેતવણીરૂપ કિસ્સો! અમદાવાદમાં સગીરા ઇન્સ્ટાગ્રામ ઉપર અજાણ્યા યુવક સાથે ફ્રેન્ડશિપ કરી ભારે પસ્તાઈ
અમદાવાદ: સોશિયલ મીડિયા ના જમાનામા અનેક છોકરા છોકરીઓ એકબીજા સાથે મિત્રતા કરે છે અને બાદમાં પસ્તાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી છે. એક સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે એક છોકરાના સંપર્કમાં આવી અને બાદમાં વીડિયો કોલથી વાત કરવાનું શરૂ કર્યું હતું. જે વીડિયો કોલને સ્ક્રીન રેકોર્ડ કરી આરોપીએ તે સગીરાને બ્લેકમેલ કરી હોટલના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં એક વાર નહિ પણ ત્રણ ત્રણ વાર તેની સાથે બળાત્કાર (rape) ગુજાર્યો હતો. બાદમાં આ આરોપીએ સગીરાના કાકાને બીભત્સ લખાણ વાળા મેસેજો કરતા સમગ્ર બાબત પરથી પરદો ઉચકાયો અને આખરે આ શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.
કૃષ્ણનગર માં રહેતા 54 વર્ષીય આધેડ નિવૃત જીવન ગુજારે છે. તેઓના પરિવાર માં મોટા ભાઈ, એક પુત્ર, પત્ની અને સગીર પુત્રી છે. તેઓને તેમના મોટાભાઈ એ જાણ કરી કે ગઈકાલે તેમને વોટ્સએપ પર કોઈ નમ્બર પરથી જેમ ફાવે તેમ અપશબ્દો લખી મેસેજ કર્યો હતો. મેસેજ કરનાર કોણ છે તેવું પૂછતાં આ વ્યક્તિએ ભત્રીજી ને પૂછી લેજો તેમ લખી મેસેજ કર્યો હતો. બાદમાં તપાસ કરતા ફરિયાદીના પુત્રએ કોલ કરતા આ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નહોતો.
બાદમાં ભત્રીજાએ પાસે ફોન કરાવતા ભત્રીજાએ કેમ ગાળો લખી મેસેજ કર્યો તેવું પૂછતાં સામે વાળી વ્યક્તિએ ગાળો ભાંડી ફોન મૂકી દીધો હતો. બાદમાં પોલીસને જાણ કરતા ફરિયાદી અને ફોન મેસેજ કરનાર છોકરાને પોલીસ લઈ આવી હતી. આ છોકરા ના ફોનમાં તપાસ કરતા સગીરા સાથે કરેલા વીડિયો કોલનું લિસ્ટ મળી આવ્યું હતું અને વીડિયો કોલના સ્ક્રીન રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા.
સગીરાને પરિવારજનોએ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે વર્ષ 2020 માં ઇન્સ્ટાગ્રામ મારફતે આ છોકરા ના સંપર્ક માં આવી હતી. બાદમાં એકબીજા ને ફોન નમ્બરની આપ લે કરી બને વીડિયો કોલથી વાત કરતા અને આ છોકરાએ તે વીડિયો કોલનો સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી અને પરિવારજનોને બતાવી વાયરલ કરવાની ધમકી આપી નિકોલ ખાતે આવેલી રોયલ હોટલમાં લઈ ગયો હતો.
જ્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ મનાઈ કરી તો તેના મા બાપને મારી નાખવાની ધમકી આ છોકરો આપવા લાગ્યો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ આ છોકરો સગીરા ને આ જ હોટલમાં લઈ ગયો હતો.
માર્ચ માસમાં સગીરાએ હોટલમાં જવાની ના પાડી તો આ છોકરાએ તેને હોટલના રૂમમાં શારીરિક સંબંધ બાંધેલા હોવાના વીડિયો તેની પાસે છે અને તે વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હોવાથી સગીરા હોટલમાં ગઈ હતી.