મંગવાણા ખાતે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મંગવાણા ખાતે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું
શિક્ષણ ક્ષેત્રે વિશ્વને ટક્કર આપવા ૧૦૦ ટકા નામાંકન અને ૦ ટકા ડ્રોપ આઉટ અનિવાર્ય- શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રૂ.૨ કરોડ છ લાખના ખર્ચે નવનિર્મિત શાળાના ભવન થકી શિક્ષણક્ષેત્રે ગુણવત્તામાં થશે સુધારો
શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કરકમલોથી નખત્રાણા તાલુકાના મંગવાણા ખાતે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહયો છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે માળખાગત સુવિધાઓ વધુને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવા તરફ સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે. જે અન્વયે રૂ.૨ કરોડ ૬ લાખના ખર્ચે મંગવાણા ખાતે આધુનિક સરકારી માધ્યમિક શાળાના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉધોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ માં આપણને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહયા છે. હવે દેશ માટે મરવાનો નહીં પણ જીવવાનો સમય છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ભારત દેશને વિશ્વગુરૂ બનાવવાના સ્વપ્નમાં આપણે સહભાગી બનીએ. શિક્ષણએ વિકાસના પાયામાં રહેલું છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે પીજીઆઇ માં ગુજરાતને એ પ્લસ રેંક મળ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના ભવનો અત્યાધુનિક બની રહયા છે જેનાથી શિક્ષણની ગુણવતામાં ઘણો સુધારો આવ્યો છે. ગુજરાતમાં કન્યા કેળવણી બાદ હવે સાક્ષરતાનો દર ૮૦ ટકા છે. પરંતુ ખરેખર શિક્ષણક્ષેત્રે વિશ્વગુરૂ બનવા માટે ૧૦૦ ટકા નામાંકન અને ૦ ટકા ટ્રોપઆઉટના મંત્રને સાર્થક બનાવવું જ પડશે.
કચ્છમાં રાજયમાં સૌથી વધુ ૧૮૫ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાઓ આવેલી છે અને ૫૩૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જે કચ્છના શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલા વિકાસની પ્રતિતિ કરાવે છે.
આ તકે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છનું શૈક્ષણિક ક્ષેત્ર અનેક યોજનાઓ અને નવી શૈક્ષણિક નિતી સાથે આગળ વધી રહયું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં હતી તેનાથી બે ગણી શાળાઓ, કોલેજ, યુનિવર્સિટીઓ શરૂ થઇ છે. ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ જે છેવાડાના વિસ્તારમાં આવેલી છે ત્યાં અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે. જે કચ્છમાં શિક્ષણના વિકાસને સાર્થક કરે છે.
આ તકે શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન તથા અગ્રણીશ્રી કરસનભાઇ પટેલ, મંગવાણા સરપંચશ્રી ધમેન્દ્રભાઇ ગોસ્વામી, અગ્રાણીશ્રી દિલીપભાઈ નરસંઘાણી, પ્રફુલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, મહેંદ્રસિંહ જાડેજા, મહેશભાઇ, બીલાભાઈ, પ્રતિપાલસિંહ વાઘેલા, ઉત્પલસિંહ જાડેજા તેમજ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી મેહુલ બરાસરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ તથા શાળાનો સ્ટાફ, સ્થાનિક અગ્રણીઓ અને વિધાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.