વૃક્ષોના સંવર્ધન માટે સરકાર અને સમાજની સંયુક્ત ભાગીદારી અનિવાર્ય
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
વૃક્ષોના સંવર્ધન માટે સરકાર અને સમાજની સંયુક્ત ભાગીદારી અનિવાર્ય -શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કચ્છનો વનમહોત્સવ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો
આજરોજ ૭૨માં વન મહોત્સવ-૨૦૨૧ અંતર્ગત ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી માનનીય મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને મુન્દ્રા તાલુકાના કુકડસર ખાતે વાંકલ ધામ મઘ્યે કરવામાં આવી હતી.
વન મહોત્સવ અંતર્ગત ૮ મહાનગરો, 33 જિલ્લામાં, ૨૫૦ તાલુકામાં તેમજ ૫૨૦૦ ગ્રામીણ કક્ષાએ વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે કચ્છ જિલ્લાનો ૭૨ મો વન મહોત્સવ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો,મીઠા ઉદ્યોગો, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડયન મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ તકે મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં ૧૦ કરોડ અને ૧૦ લાખ વૃક્ષોના રોપાનું વિતરણ થવાનુ છે. કોરોના મહામારીમાં લોકોને પ્રાણવાયુ (ઓક્સિજન) ની કિંમત સમજાઇ છે. આજે પ્રદુષણના કારણે ઋતુચક્ર ખોરવાયું છે જેના કારણે કુદરતી આપદાઓનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષારોપણ ખૂબ જ અનિવાર્ય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે છોડ માં રણછોડ વગેરે જેવા વિચારો પ્રકુતિ અને વૃક્ષોને ધર્મ સાથે જોડી તેનું સંવર્ધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા પૂર્વજોએ આસોપાલવ, પીપળો, આંબો, લીમડો, તુલસી વગેરે જેવા વૃક્ષો અને છોડવા જે આપણી પ્રકૃતિ અને આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે તેમને ધર્મમાં વ્રત-પૂજા વગેરે સાથે જોડી તેનું સવર્ધન કરવા પ્રયાસો કર્યા હતા જેનું આજે પણ આપણે અનુસરણ કરી રહ્યા છીએ.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કરવું અને તેનો ઉછેર કરવો એ ફક્ત સરકાર કે ફક્ત સમાજનું કામ નથી. એકલા હાથે કંઈ થઈ ના શકે જેથી સમાજ અને સરકારની સંયુક્ત ભાગીદારીથી જ વૃક્ષોનું સંવર્ધન થઈ શકે. દરેક વ્યક્તિ વૃક્ષ વાવે અને બાળકની જેમ તેની કાળજી રાખી ઉછેર કરે તેવું આહવાન પણ તેમણે આ તકે કર્યું હતું.
આ તકે ભુજ ધારાસભ્યશ્રી ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ તેમની શક્તિ મુજબ વૃક્ષ વાવે તો ખરા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક બનશે. કચ્છમાં એટલી જમીન ઉપલબ્ધ છે કે સમગ્ર ગુજરાતનો કવોટા કચ્છમાં પૂર્ણ થઈ જાય. કચ્છમાં સમગ્ર શાળાઓના કેમ્પસ વૃક્ષો થી આચ્છાદિત બન્યા છે અને હજુ પણ વૃક્ષારોપણ થઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ વલસાડના ઉમરગામ તાલુકાના કલગામ થી વરચ્યુઅલી જોડાયા હતા.
આ તકે લાભાર્થીઓને ડી.સી.પી. ચેક ,પ્રશસ્તિ પત્ર તેમજ નિર્ધુમ ચુલાનું મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ વૃક્ષારોપણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત ઔષધિય વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષકશ્રી એસ.એસ.મુંજાવરે કર્યું હતું જ્યારે આભારવિધિ આર.એફ.ઓ – અંજાર પ્રવિણ જાદવે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ.વ. અધિકારીશ્રી શૈલેન્દ્ર ચોકસીએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા,માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, કુકડસર સરપંચ શ્રી શંકરભાઈ રબારી, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે,કચ્છ વર્તુળ મુખ્યવન અધિકારીશ્રી અનિતા કર્ણ, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. બી.એન.પ્રજાપતિ તથા અગ્રણી સર્વશ્રી અનિરુદ્ધભાઈ દવે, વિશ્રામભાઈ ગઢવી, પ્રદ્યુમનસિંહ જાડેજા, મુન્દ્રા નગરપતિશ્રી કિશોરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જામ તથા ભુવાશ્રી નાગજીભાઈ તથા જેસાભાઈ લખમીર ઉપરાંત લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.