દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું
સુરત: જીજેઈપીસી દ્વારા સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું ઉદ્ઘાટન 16મીએ છે. જેનું એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા હશે. આ ઓક્શન હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચે અને 2200 સ્ક્વેરફૂટમાં તૈયાર કરાયું છે.
ઓક્શન સેન્ટરમાં કડક સુરક્ષા
ઓક્શન સેન્ટરમાં સલામત તિજોરી, લોકર સિસ્ટમ, કોન્ફરન્સ હોલ, એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ્સ સાથે પ્રદર્શન વિસ્તારની તમામ સુવિધાઓ હોવાથી, ડાયમંડ માઇનીંગ કંપનીઓ હીરાની હરાજીની માટે સુરત આવી શકે છે.
સેન્ટરમાં કુલ 15 કેબિનની સુવિધા
ભારતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા ત્રણ એજન્સીઓ, એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્નમેન્ટની એજન્સી અથવા તો જીજેઈપીસી પોતે બનાવે તો તેની માન્યતા આપવામાં આવે છે. આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે.
‘પહેલા હોટલોમાં આયોજન થતા હતા’
રીજનલ ચેરમેન, જીજેઈપીસી, દિનેશ નાવડિયાનાં જણાવ્યા પ્રમાણે, સુરતમાં ઘણી કંપનીઓ ખરીદી, વેચાણ, હરાજી કરવા આવતી હતી પરંતુ કોઈ હોટલોમાં આયોજનો થતા હતા. જ્યાં લાઈટ, સિક્યોરટી સહિત લોકરની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આવા મૂલ્યવાન માલની સુરક્ષાની સમસ્યાઓ પણ તેમના માટે એક મોટી ચિંતા હતી. હરાજી કેન્દ્રમાં, તેમને સલામત થાપણ તિજોરી સુવિધાઓ અને લોકર સુવિધાઓ પણ મળશે.
એક દિવસનું ભાડું એક લાખ રુપિયા
આ અંગે જીજેઈપીસીના જણાવ્યા પ્રમાણે, અહીં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરી શકાશે. વિશ્વનો કોઈ પણ વેપારી આ ઓક્શન હાઉસનો ઉપયોગ કરી શકશે.