રાજકોટ: ચેકડેમમાં ન્હાવા જતા બહેનપણીઓની નજર સામે જ ત્રણ બહેનપણીનાં મોત
રાજકોટ: રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામે આવેલા ચેકડેમમાં ત્રણ યુવતીઓના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ નો કાફલો તેમજ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.સાથે જ સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદન પણ નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં બહેનપણીઓની નજર સામે જ ત્રણ ત્રણ બહેનપણીના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક રહીશોએ પોલીસ, ફાયરબ્રિગેડ તથા 108 ઇમરજન્સી સેવાને ફોન કરી માહિતી આપી હતી કે, શાપર વેરાવળ નજીક આવેલા ઢોલરા કાંગશીયાળી વચ્ચે ચેકડેમમાં ન્હાવા દરમિયાન ત્રણ જેટલી મહિલાઓ ડૂબી છે. તમામ વિભાગને ફોન દ્વારા જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ, ફાયર વિભાગ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.