અડધી પશ્ચિમી દુનિયા અમારી, હવે ગ્રીન લેન્ડ પડાવીશ : ટ્રમ્પ | Half of the Western world is ours now I will seize Greenland: Trump

![]()
– વેનેઝુએલા બાદ વધુ એક દેશ પર તુંડમિજાજી પ્રમુખ ટ્રમ્પે ‘નજર બગાડી’ !
– 20 દિવસમાં ગ્રીનલેન્ડ પર કબજાની ડંફાસ મુદ્દે યુરોપના દેશો ટ્રમ્પની સામે પડયા, અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે તો નાટો ખતમ થઈ જશે : ડેન્માર્કની ચેતવણી
વોશિંગ્ટન/બર્લિન : વેનેઝુએલા પર અમેરિકાના હુમલા મુદ્દે સમગ્ર દુનિયામાં અજંપા ભરી સ્થિતિ છે ત્યારે આ મુદ્દે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરિકાએ દાવો કર્યો કે, પૃથ્વીનો પશ્ચિમી ગોળાર્ધ અમારો છે. અમેરિકા પોતાની સુરક્ષા માટે આ વિસ્તારમાં અન્ય કોઈને ઘૂસવા નહીં દે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુમાખીપુર્ણ વર્તન કરતા કહ્યું કે, ગ્રીનલેન્ડ તો અમે ૨૦ જ દિવસમાં લઈ લઈશું. ડેન્માર્ક ગ્રીનલેન્ડની સુરક્ષા કરી શકે તેમ નથી. આ વિસ્તારમં ચીન અને રશિયાના જહાજો મોટાપાયે ફરી રહ્યા છે. ગ્રીનલેન્ડ પર કબજા માટે ટ્રમ્પના દાવાથી ડેન્માર્ક સહિત યુરોપના દેશો ભડક્યા છે. ડેન્માર્કના વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સને ચેતવણી આપી કે ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તો દુનિયાના સૌથી મોટા સૈન્ય સંગઠન નાટોનો અંત આવી જશે.
નવા વર્ષની શરૂઆતમાં જ વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસનું અપહરણ કરવાના મુદ્દે વેનેઝુએલાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમેરિકાના રાજદૂત માઈક વોલ્ટ્ઝે વેનેજુએલા પર હુમલાનો બચાવ કરતા કહ્યું કે, પૃથ્વીનો પશ્ચિમી ગોળાર્ધ અમારો વિસ્તાર છે અને અમેરિકા આ ક્ષેત્રમાં કોઈની પણ દાદાગીરી ચલાવી નહીં લે. અમે પશ્ચિમી ગોળાર્થને પોતાના દેશના દુશ્મનો, અમારા સ્પર્ધકો અને અમેરિકાના પ્રતિસ્પર્ધીઓ માટે ઓપરેશનના બેઝ તરીકે ઉપયોગ નહીં કરવા દઈએ.
અમેરિકન રાજૂત માઈક વોલ્ટ્ઝે પશ્ચિમી ગોળાર્ધ એટલે કે પૃથ્વીના પશ્ચિમ તરફના અડધા ભાગ પર વિશેષરૂપે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ પર સ્વયંભૂ અમેરિકાની માલિકી જાહેર કરી છે. આ પહેલાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્ક રુબિયોએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પશ્ચિમી ગોળાર્ધ એટલે કે વેસ્ટર્ન હેમિસ્ફીયર, મધ્ય અને દક્ષિણ અમેરિકામાં બંદરો, રેલવે અને ખાવા-પીવાની વસ્તુઓના પુરવઠા જેવી વસ્તુઓ પર ચીન કબજો કરી રહ્યું છે, જે અમેરિકા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. અમે આ વિસ્તારમાં ચીન અને રશિયાને ઘૂસવા નહીં દઈએ. દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પછી હવે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કરી હતી. ટ્રમ્પે તેમનો બીજો કાર્યકાળ શરૂ થવાની સાથે જ ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવાની વાત કરી હતી. જોકે, વેનેઝુએલા પર હુમલા પછી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ફરી એક વખત ટ્રમ્પે કહ્યું કે, ગ્રીનલેન્ડ પર ૨૦ દિવસ પછી વાત કરીશું. ટ્રમ્પના આ નિવેદનથી એવા સંકેતો મળી રહ્યા છે કે અમેરિકા ખૂબ જ ટૂંકા સમયમાં ગ્રીનલેન્ડ પર કબજા માટે નક્કર સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પના નિવેદનથી યુરોપના દેશોમાં હોબાળો મચી ગયો છે. ગ્રીનલેન્ડ ડેન્માર્કનું અર્ધ-સ્વાયત્ત ક્ષેત્ર છે અને નાટોનો પણ ભાગ છે ત્યારે ડેન્માર્કના વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તો તે દુનિયાના સૌથી મોટા સૈન્ય સંગઠન નાટો માટે અંત સાબિત થઈ શકે છે. અમેરિકા કોઈ બીજા નાટો દેશ પર સૈન્ય હુમલો કરશે તો બધું જ રોકાઈ જશે. ટ્રમ્પના નિવેદનોને હળવાશથી લેવા જોઈએ નહીં અને ડેન્માર્ક કોઈપણ પ્રકારની ધમકી સ્વીકાર નહીં કરે. દરમિયાન જર્મની, ફ્રાન્સ, ઈટાલી, પોલેન્ડ, સ્પેન અને યુનાઈટેડ કિંગ્ડમ સહિત યુરોપના દેશોના નેતાઓએ મંગળવારે એક સૂરમાં ગ્રીનલેન્ડ મુદ્દે ડેન્માર્કને સમર્થન કર્યું હતું અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને ખનીજોથી સમૃદ્ધ આર્કટીક આઈલેન્ડ ત્યાંના લોકોનું છે. ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય માત્ર ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના લોકો કરી શકે. આર્કટિક ક્ષેત્રની સુરક્ષા યુરોપની ટોચની પ્રાથમિક્તાઓમાં સામેલ છે. આર્કટિકની સુરક્ષા માત્ર યુરોપ જ નહીં ટ્રાન્સ-એટલાન્ટિકની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે.



