ગુજરાતમાં હજી 44% વરસાદની ઘટ, જાણો ક્યારે ધોધમાર વરસાદની છે આગાહી

અમદાવાદ: આ વખતે ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હતો જેના કારણે અનુમાન લગાવવામાં આવતું હતું કે, ઓગસ્ટમાં પણ ઘણો વરસાદ થશે. આ સાથે આ વખતે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી પણ કરી હતી. રાજ્યમાં અત્યાર સુધી આ સિઝનમાં 7 વર્ષની સરખામણીએ સૌથી સાધારણ વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28 ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ 2017થી 2020નાં વર્ષમાં 9 ઓગસ્ટ સુધીમાં 50 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ 44 ટકા વરસાદની ઘટ છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં 15મી પછી ગુજરાતમાં સારો વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં તારીખ 15 અને 16 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા. 18થી 24માં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તા.19થી 21, તારીખ 23-24થી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેમ છે. ઓગસ્ટના અંતમાં પણ વરસાદ થતા આ વરસાદ ખેડૂત ભાઈઓને ઉપયોગી રહેશે.