गुजरात

ગુજરાત ભાજપના પૂર્વ સાંસદનો પુત્ર વીજ ચોરી કરતા ઝડપાયો, કંપનીએ 1.95 લાખનો ફટકાર્યો દંડ

ગોધરા: પંચમહાલ જિલ્લાના ભાજપના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર વિજયસિંહના ઘરેથી વીજ ચોરી ઝડપાતા વીજ કંપનીએ મસમોટો દંડ ફટકાર્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ વિજયસિંહ ચૌહાણને એક લાખ પંચાણું હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો છે. જે બાદ આખા પંથકમાં આ કિસ્સાએ ચર્ચાનું કારણ બન્યો છે. નોંધનીય છે કે, ગોધરા તાલુકાના મહેલોલ મુવાડી ગામમાં પ્રભાતસિંહ ચૌહાણનો પરિવાર રહે છે.

ઘરે લગાવેલ મીટરમાં બાયપાસ કનેક્શન કર્યુ હતુ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગોધરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીની સર્કલ ઓફિસરની ટીમે શુક્રવારે મહેલોલની મુવાડી ગામે તથા આસપાસ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે તપાસ હાથ ધર્યો હતો. આ તપાસની કામગીરી દરમિયાન મહેલોલની મુવાડી ગામે રહેતા અને પંચમહાલના ભાજપના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના રહેણાંક મકાનની બાજુમાં રહેતા તેમના પુત્ર વિજયસિંહના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. વિજયસિંહના ઘરે લગાવેલ મીટરમાં બાયપાસ કનેક્શન કરી વીજચોરી આચરવામાં આવી હોવાનું દેખાયું હતું.

પરિવાર ચર્ચાના ચકડોળે ચઢ્યું

તપાસમાં ગેરરીતી ઝડપાતા, સર્કલ ઓફિસર એમ. આર. બારૈયાએ વીજચોરી સંદર્ભે રૂપિયા એક લાખ પંચાણું હજાર ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં પ્રભાતસિંહ ચૌહાણનો પરિવાર ચર્ચાના ચકડોળે ચઢ્યો છે.

Related Articles

Back to top button