ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
Anil Makwana
જીએનએ અમદાવાદ
ભારતીય વાયુ સેના દ્વારા 04 ઑગસ્ટ 2021ના રોજ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ અને તેના લોકોના કિર્તીપૂર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણી કરવા અને તેને યાદગાર બનાવવા માટે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો કોવિડ મહામારી હોવા છતાં પણ લાખો ભારતીય નાગરિકો સાથે મજબૂત રીતે ઉભા રહીને તેમની સંભાળ લેનારા કોરોના યોદ્ધાઓને સમર્પિત કરવામાં આવ્યો હતો.
IAF બેન્ડમાં વૉરન્ટ ઓફિસર મનોરંજન ઠાકુરના નેતૃત્વમાં 25 મ્યુઝિશીયન શામેલ છે. આ બેન્ડ વાયુ યોદ્ધાઓ દ્વારા તેમના પ્રોફેશનમાં સહયોગ, સમન્વય, સિદ્ધાંતો અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. IAF બેન્ડના મ્યુઝિશીયનોની ટીમ સાબરમતી નદીના કાંઠે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને કર્ણપ્રિય શૌર્ય અને દેશભક્તિ ગીતો તેમજ ઇન્સ્ટ્રૂમેન્ટલ સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોવિડ યોદ્ધાઓના એક સમૂહનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ વડામથકના પ્રશાસનના વરિષ્ઠ ઓફિસર-ઇન-ચાર્જ એર વાઇસ માર્શલ રોહિત મહાજન, વાયુ સેના મેડલ, તેમજ નાગરિક અને સંરક્ષણ મહાનુભાવોએ પ્રેક્ષકગણમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો અને બેન્ડના મોહક મ્યુઝિકનો આનંદ માણ્યો હતો.