મહીસાગર: જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવન પંચાલ અને તેમના પત્નીની હત્યાથી ચકચાર
મહીસાગર: મહીસાગર જિલ્લા માં ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીની અજાણ્યા લોકોએ ગત મોડી રાત્રે હત્યા કરી નાખી છે. બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા છે. બંનેની હત્યા માથામાં પાઈપ અથવા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની મદદ લીધી છે. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી. મૃતક ત્રીભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ વર્ષોથી પંચાલ સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત હતા.
પોલીસ કાફલો અને ભાજપના આગેવાનો દોડી ગયા
મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા લોકોએ હત્યા કરી નાખી છે. બનાવની જાણ થયા બાદ જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચી ગયા છે. આ બનાવ લુણાવડા તાલુકાના પાલ્લા ગામ ખાતે બન્યો છે. બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક પણ પાલ્લા ગામ ખાતે પહોંચ્યા છે. મૃતક ત્રીભોવનભાઈ પંચાલ સમાજ પ્રમુખ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગામ ખાતે પહોંચી ગયા છે.
વર્ષોથી બીજેપીમાં જોડાયેલા હતા ત્રીભોવન પંચાલ
ગામ લોકોનું કહેવું છે કે ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. આથી હત્યા શા માટે કરવામાં આવી તે કારણ જાણવું મહત્ત્વનું બની રહેશે.