गुजरात
અમદાવાદ : રિયલ લાઈફ હીરો, સાબરમતી નદીમાં ફાયરના આ જવાને 400ને ડુબતા બચાવ્યા
અમદાવાદ : જો આપને કહેવામાં આવે કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાને 7 વર્ષમાં નદીમાંથી રેસ્ક્યુ કરી 400 લોકોનો જીવ બચાવ્યો છે તો તમને પણ આશ્ચર્ય થશે. કોઈ ફિલ્મી સ્ટોરી જેવી જ લાગતી આ સ્ટોરી રિલ લાઈફની નહીં પણ રિયલ લાઈફની છે. જેમાં અમદાવાદ ફાયર બ્રિગેડમાં 21 વર્ષથી ફરજ બજવતા ફાયરનો આ જવાન સાબરમતી નદીમાં ડુબતા લોકો માટે દેવદૂત બન્યા છે. વર્ષ 2001થી અમદાવાદ ફાયર બ્રિગેડમાં જોડાયેલા આ ફાયર જવાનનું નામ ભરત મંગેલા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડમાં અનેક આગ અકસ્માતની ઘટનાઓમાં તો આ ફાયર જવાન ભરતની ઉમદા કામગીરી રહી જ છે. સાથે સાથે અમદાવાદની સાબરમતી નદીમાં બનતી આત્મહત્યાની કે નદીમાં અકસ્માતે પડી જવાથી ડૂબી જવાની ઘટનાઓમાં રેસ્ક્યુ વર્કમાં પણ ભરત મંગેલાની સરાહનીય કામગીરી રહી છે.