गुजरात

સુરત: ઉભેળ ગામનાં ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં વિકરાળ આગ બાદ થયો સિલિન્ડર બ્લાસ્ટ, જાનહાનિ નથી

સુરત: શહેરનાં કામરેજ તાલુકાના ઉભેળ ગામમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ફોર્મના ગાદલા બનાવવાની ફેક્ટરીમાં રવિવારે સાંજે લાગેલી વિકરાળ આગ લાગી હતી. આ આગની ચપેટમાં બાજુની ટેક્સટાઇલ ફેક્ટરી (Textile factory) પણ આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10થી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.

આગ બાદ સિલિન્ડર બ્લાસ્ટ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઉંભેળ ખાતે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રિલ વિભાગ-3માં આવેલી રાધે ફોર્મ નામની ગાદલા બનાવતી કંપનીમાં રવિવારે મોડી સાંજે છ કલાકની આસપાસ આગ ભભૂકી હતી. આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી આર્યા ટેક્સટાઇલ ફેક્ટરીને પણ ચપેટમાં લીધી હતી. ટેક્સટાઇલ ફેક્ટરીમાં વોટરજેટ મશીન હોવાથી અંદર સમાવિષ્ટ ગેસ સિલિન્ડરો પણ આગના સંપર્કમાં આવતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં લોકોના જીવ અધ્ધર થયા હતા.

કોઇ જાનહાનિ નથી

બનાવની જાણ થતા ઉંભેળ ગામના સરપંચ દર્શન પટેલ બનાવના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતા કામરેજ અને પલસાણાની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગે થોડા જ સમયમાં વિકારળ સ્વરૂપ લઈ લીધુ હતુ. તેથી સુરત, સચિન, બારડોલી, કડોદરા, કીમથી અન્ય ફાયરબ્રિગેડને બોલાવાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ પાણીનો સતત મારો કરીને આગને બુઝાવવા પ્રયાસ કરતા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Related Articles

Back to top button