પ.પૂ, શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સુરત ખાતે પ્રામાણિકતા સેમિનાર યોજાયો
ધંધા-વ્યવહારમાં હૃદયને ૬૦% અને બુદ્ધિને ૪૦% આપો પણ શ્રીગોવિંદભાઇ ધોળકિયા અયોધ્યામાં નિર્માણ થનાર હિન્દુ સમાજના મસ્તક સમાન શ્રીરામ મંદિર વિશ્વની અજાયબી બનશે.

સુરત
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
પ.પૂ, શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામ
આજના હરિફાઈના જમાનામાં લોકો જલ્દીથી પૈસા કમાવવા માટે તથા ધંધા-વ્યવહારમાં એકબીજાથી આગળ નીકળી જવા ગમે તેમ ખોટું કરીને લોકોને છેતરતા હોય છે. ત્યારે આવા વિષમ કાળમાં પ્રામાણિકતા કેવી રીતે રાખવી ? ધંધામાં નીતિ કઈ રીતે રાખવી ? શું ખોટું કર્યા વગર પણ પૈસાવાળા થઇ શકાય ? વગેરે પ્રશ્નો ખૂબ જ મુંજવતા હોય છે. આવા મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે માટે પરમ પૂજ્ય સદગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણાથી તા.૩૧/૧/૨૦૨૧ ના રોજ સાંજે ૬.૦૦ થી ૮.૦૦ દરમ્યાન સુરત વેડ રોડ સ્થિત શ્રીસ્વામિનારાયણ સત્સંગ હૉલ મૂર્તિબાગ ખાતે ‘ખોટું કર્યા વિના પણ પૈસા કમાઈ શકાય છે’ એ વિષય પર સમગ્ર ગુજરાતમાં જેમને પ્રામાણિકતાના આદર્શ કહી શકાય એવા ઉદાર, વિનમ્ર, અને નીતિમત્તાનું મૂર્તિમંત સ્વરૂપ શ્રીગોવિંદભાઈ ધોળકિયાના પ્રવક્તા પદે પ્રામાણિકતા સેમિનાર યોજાયો હતો.
શ્રીગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના જીવનની અનુભવાત્મક વાતો કરતાં જણાવ્યુ હતું કે, દેખા-દેખીમાં જવું નહીં, આપણે આપણી કક્ષા જોવી, ભગવાન પર ભરોસો રાખવો. એ જે આપે તેમાં સંતોષ રાખવો અને પૂરી મહેનત કરવી અને નવી સ્કીલ ડેવલોપ કરવી. ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના ઇતિહાસ ન હોય. સફળ થવા માટે આપણો સ્વભાવ બધાને ગમતો હોવો જોઈએ. કોઈને દેખાડવા નહીં પણ પોતાના સંતોષ માટે નીતિ રાખવી. હૃદયનું સાંભળો, લાગણીઓને સાંભળો. ધંધા-વ્યવહારમાં હૃદયને ૬૦% અને બુદ્ધિને ૪૦% આપો. અભિમાની માણસ ક્યારેય સફળ થતો નથી. ભગવાનને ભૂલીને દુનિયામાં કોઈ સુખી રહી શકતું નથી. વગેરે પોઇન્ટસ પર ખૂબ જ ઝીણવટભરી વાતો કરીને ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં જેવો સંગ તેવો રંગ એ ન્યાયે યુવાનોને સત્સંગ જાળવી રાખવા ટકોર કરી હતી. આ પ્રસંગે શ્રીરામજન્મ ભૂમિ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યમાં પ.પૂ. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામ તરફથી રૂપિયા ૧૧,૦૦,૦૦૦/- અગિયાર લાખનો ચેક અર્પણ કરાયો હતો. શ્રીરામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધિ સંચય અભિયાન ગુજરાતના અધ્યક્ષશ્રી મા.શ્રીગોવિંદભાઈ ધોળકિયા તથા અન્ય સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં અને તેમના જ કરકમળોમાં આ ચેકની અર્પણવિધિ થઈ હતી. આ ઉપરાંત શ્રીસ્વા. મંદિર, વેડરોડ-સુરત તરફથી ૨,૫૧,૦૦૦; શ્રીસ્વા. મંદિર, કલાકુંજ-સુરત તરફથી ૨,૫૧,૦૦૦ અને શ્રીસ્વા.મંદિર કરંજ તરફથી ૨,૫૧,૦૦૦ના ચેક શ્રીરામ મંદિર માટે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં પ.પૂ, શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ સૌને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. અને વિશેષમાં પૂ.સ્વામીએ શ્રીરામ મંદિર નિર્માણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે અયોધ્યામાં નિર્માણ થનાર આપણા હિન્દુ સમાજના મસ્તક સમાન શ્રીરામ મંદિર વિશ્વની અજાયબી બનશે.આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી, તથા શ્રીપ્રભુચરાણ સ્વામી વેડરોડ મંદિર,તથા કરંજ વગેરે મંદિરોમાંથી સંતો તથા મહાનુભાવોએ ઉપસ્થિત રહી દર્શન-આશીર્વચનનો લાભ આપ્યો હતો.
યુ-ટ્યુબ, ઝૂમ તથા ગુજરાતની ૨૩ જેટલી TV ચેનલોના માધ્યમે લાઈવ પ્રસારણ દ્વારા આ સેમિનારમાં દેશ-વિદેશના લાખો ભક્તોએ પ્રામાણિક્તા અને નીતિમત્તા વિષે બોધ-પાઠ મેળવી ધન્યતા અનુભવી હતી