આજે હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દર્શનનો અંતિમ દિવસ, રવિવારે લીમડાવનમાં થશે અંત્યેષ્ટિ

વડોદરા: પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તા. ૩૧ સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. તા. ૧ ઓગસ્ટે બપોરે ૨.૦૦ કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ (last ritual) થશે.
પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યા અનુસાર, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે. હરિધામ મંદિરમાં નીચેના ફ્લોર ઉપર જ્ઞાનયજ્ઞ દેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને પધરાવવામાં આવ્યા છે. દરરોજ બપોરે સાડાત્રણ કલાકે પ.પૂ. સ્વામીજી ત્યાં ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરવા પધારતા. દેશ-વિદેશની ધર્મયાત્રા માટે હરિધામથી નીકળતાં પહેલાં જ્ઞાનયજ્ઞ દેરીએ અને ઉપરના મજલે ઠાકોરજીનાં દર્શન-પ્રાર્થના કરવાનું ચુકતા નહીં. તે જ રીતે પરત પધારે ત્યારે પણ દર્શન-પ્રાર્થના કર્યા પછી જ વિશ્રામ માટે પધારતા. નાદુરસ્ત સ્વાસ્થ્ય હોય તો પણ ગુરૂ પરંપરાને દંડવત પ્રણામ કરવાનો તેઓ આગ્રહ રાખતા. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક લીમડાનું વૃક્ષ પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય રહ્યું છે.