રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસની વધુ એક વિકેટ પડી, કરજણના MLA અક્ષય પટેલનું રાજીનામું
અમદાવાદ : રાજ્ય સભાની ચૂંટણી નું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી (Congress Party)ને વધુ એક ફટકો પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું ધરી દીધું છે. અક્ષય પટેલ છેલ્લા થોડા સમયથી કૉંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. રાજીનામું મળ્યાના સમાચાર આવ્યા બાદ અક્ષય પટેલે તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બીજી તરફ વધુ પાંચ ધારાસભ્ય રાજીનામું આપવા તૈયાર હોવાની માહિતી મળી છે.
પરેશ ધાનાણીનું ટ્વીટ :
કરજણના ધારાસભ્યના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ધમણ-1ની કમાણીથી હવે ધારાસભ્યોને ખરીદવાની દુકાન શરૂ કરી દેવામાં આવી છે.
વધુ પાંચ વિકેટ પડી શકે :
મળતી માહિતી પ્રમાણે અક્ષય પટેલ બાદ કૉંગ્રેસના વધુ પાંચ જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે. આ ધારાસભ્યોમાં કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે.
હું રાજીનામું નથી આપી રહ્યો : કિરીટ પટેલ
રાજીનામાની અફવા વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપી રહ્યાની વાત માત્ર એક અફવા છે. ભાજપ ખોટો અફવાઓ ફેલાવવાનું કામ કરી રહી છે. તેઓ કૉંગ્રેસ પાર્ટી સાથે જ જોડાયેલા છે.
બુધવારે કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોની સીએમ સાથે મુલાકાત
બુધવારે ગાંધીનગર ખાતે કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ત્રણેય ધારાસભ્યોએ ખુલાસો કર્યો હતો કે તેમની મુલાકાત ફક્ત સૌજન્ય મુલાકાત અને તેમના વિસ્તારના સ્થાનિક પ્રશ્નોનોની રજુઆત કરવા માટેની હતી. આ મુલાકાતને રાજ્ય સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોવામાં આવી રહી હતી. જોકે, ત્રણેય ધારાસભ્યોએ પક્ષ છોડવાની કોઈ વાત ન હોવાનું જણાવ્યું હતું.
પહેલા જ પાંચ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે
કરજણના ધારાસભ્યના રાજીનામા પહેલા કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો પહેલા જ રાજીનામાં આપી ચુક્યા છે. આ ધારાસભ્યોમાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને કૉંગ્રેસ પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.