ગુજરાતના કુલ 78.75% વરસાદ, જોડિયામાં સાંબેલાધાર ચાર કલાકમાં 5.88 ઇંચ ખાબક્યો

જામનગર: રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદને કારણે સરેરાશ 78.75 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 89.80 ટકા વરસાદ તથા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 78.05 ટકા વરસાદ વરસ્યો છે.ત્યારે આજે સવારે જામનગરનાં ધ્રોલ-જોડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જોડિયામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધ્રોલમાં બે કલાકમાં 10 એમ.એમ. વરસાદ નોંધાયો છે.
બે કલાકમાં 25 તાલુકામાં વરસાદ
આજે ગુરુવારે વહેલી સવારે 6થી 8 કલાકમાં એટલે માત્ર બે કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં પણ સવારે બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં બે કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે બે કલાકમાં નવસારી તાલુકામાં પણ 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.