ગુજરાતમાં શનિવારથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો ઓફલાઈન શરૂ થઈ જશે ? જાણો કોણે કર્યું એલાન ?
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સાવ નહિવત થઈ ગયા છે ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી ખાનગી શાળાના સંચાલકો કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ અંગે કોઈ નિર્ણય ના લેતાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એલાન કર્યું છે કે, રાજ્ય સરકાર આ મુદ્દો નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શનિવારથી સ્કૂલો શરૂ કરી દેશે.
રાજ્ય સરકારે ધોરણ 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપતાં છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે. ખાનગી શાળાના સંચાલકોએ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ બુધવારે ઈદની રજાને પગલે ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ ન મળી શકતાં સંચાલકોએ રાજ્ય સરકારને વધુ બે દિવસ આપ્યા છે. હવે ગુરૂવારે કેબિનેટની બેઠક મળે તેમ છે અને તેમાં ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ચીમકી આપી છે કે, રાજ્ય સરકારે ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવા અંગે ગુરૂવારે નિર્ણય નહી લે તો સંચાલકો શનિવારથી શરૂ કરી દેશે.
ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ દર બુધવારે મળે છે. બુધવારે મળનારી કેબિનેટ મીટિંગમાં સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા અંગે નિર્ણય લેવાવાનો હતો પરંતુ બકરી ઈદની રજાને પગલે સરકારની મીટિંગ મળી ન હતી. હવે ગુરૂવારે રૂપાણી કેબિનેટ મીટિંગ અને કોર કમિટીની બેઠક મળનાર છે. આ બેઠકમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરેલ રજૂઆતને અનુલક્ષીને રાજ્યમાં ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો ઓફલાઈન શિક્ષણ માટે શરૂ કરી દેવા નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી બુધવારે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ છે અને હવે સરકાર ગુરૂવારે નિર્ણય નહી લે તો 24 જુલાઈ ને શનિવારે ગુરૂ પૂર્ણિમાના દિવસથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની ચીમકી અપાઈ છે.