गुजरात

ગુજરાત HCએ પત્નીને IVF કરાવવા મરી રહેલા પતિનાં વીર્યનાં નમૂના ફ્રિઝ કરાવાવની આપી મંજૂરી

અમદાવાદ: કોવિડને લગતો અપવાદરૂપ કેસ સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મહિલાને તેના પતિના વીર્યના નમૂનાઓ ફ્રિઝ કરવાની મંજૂરી આપી છે. જેથી તે આઈવીએફ (IVF) દ્વારા ગર્ભ રાખી શકે. તેનો પતિ કોવિડથી પીડિત છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. મહિલા અને તેના સાસરિયાઓએ ન્યાયાધીશ એ.જે. શાસ્ત્રીની કોર્ટ સમક્ષ મંગળવારે હાઇકોર્ટમાં તાકીદે સુનાવણી માંગી હતી. કોર્ટે નમૂના લેવાની મંજૂરી આપી હતી, પરંતુ કહ્યું કે, જ્યાં સુધી તે આગળના ઓર્ડર ન આપે ત્યાં સુધી સ્પર્મને પ્લાન્ટ ન કરવા. આ ચુકાદો આપતી વખતે જજ પણ ભાવુક થઇ ગયા હતા. તેમણે આ ચુકાદો માત્ર 15 મિનિટમાં જ આપી દીધો હતો.

કેમ કોર્ટમાં જવું પડ્યું?
નોંધનીય છે કે, IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ પતિ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે તેમ ન હતું . આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું.

દંપતીનું લગ્ન એક વર્ષ પહેલા થયું હતું

મળતી માહિતી પ્રમાણે, આ દંપતીનું લગ્ન એક વર્ષ પહેલા થયું હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન પતિને કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું. પતિને એટલો ગંભીર કોરોના થઇ ગયો કે, તેના મલ્ટીપલ ઓર્ગન ફેઇલ થઈ ગયા. ડોક્ટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે અને કહ્યું કે, તેમની પાસે હવે 24 કલાક જ છે. આ સ્થિતિમાં પત્નીએ IVF ટેક્નોલોજીના માધ્યમથી સંતાન રાખવા આયોજન કર્યું પણ ડોક્ટરે આ માટે તેમને કોર્ટની મંજૂરી લાવવા જણાવ્યું હતું. જેથી આવી ગંભીર પરિસ્થિતિ સાથે પત્ની અને સાસરિયાઓએ કોર્ટનું બારણું ખખડાવ્યું.

કોર્ટે 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો

કોર્ટના આદેશમાં જણાવાયું છે કે, “આ અસાધારણ પરિસ્થિતમાં પતિની ગંભીર હાલત જોતા કોર્ટે આ અંગેની મંજૂરી આપી. તે દરમિયાન, હોસ્પિટલને પતિના શરીરમાંથી નમૂનાઓ સ્ટોર કરવા માટે આઇવીએફ / એઆરટી પ્રક્રિયા હાથ ધરવા નિર્દેશિત કરવામાં આવ્યા છે અને તબીબી સલાહ મુજબ તે નમૂનાને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરવા જણાવ્યું છે.

Related Articles

Back to top button