અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર લગાવાયો પ્રતિબંધ.
Anil Makwana
જીએનએ જામનગર
આગામી દિવસોમાં આવનારા તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રીતે જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે સમગ્ર જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.જેમાં આગામી તા.9/8/2021 સુધી સમગ્ર જિલ્લામાં કોઈએ જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડે તેવા કોઈપણ સાધન લઈ જઈ શકાશે નહીં.તેમજ કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો પણ લઈ જઈ શકાશે નહીં.પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ અથવા તેને ધકેલાવના યંત્રો સાથે લઈ જવા નહીં, મનુષ્ય અથવા તેના સબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહીં, અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરવું નહીં. પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.
આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથીયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીથી ઉતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી અગરતો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યકિતને, કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાંના કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ -૧૩૫ ( ૧ ) મુજબ દંડની સજા થશે.