અમદાવાદ: કાળ રંગની કાપડની પોટલીની કમાલ! મહિલાએ દાગીના ગુમાવ્યાં, તમે પણ છેતરાઈ શકો છો!
અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ધરમ કરતા ધાડ પડી.’ આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો શહેરના વાડજ વિસ્તારમાં બન્યો છે. બસની રાહ જોઈ રહેલા મહિલાને એક બંટી-બબલીએ કાળા રંગની કાપડની પોટલી ખોલી આપવા કહ્યું હતું. જે બાદમાં બંટી-બબલી મહિલાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ગઠીયા અત્યારસુધી ઘરેલા ચોરી લેવા માટે અવનવી યુક્તિઓ અજમાવતા હતા. હવે ગઠીયાઓએ મહિલાને છેતરવા માટે નવી જ યુક્તિ અજમાવી છે. આ યુક્તિથી ભલભલા છેતરાઈ શકે છે. ત્યારે જાણીએ સમગ્ર કિસ્સો…
રાણીપ વિસ્તારમાં રહેતા શારદાબેન પરમાર બંગલામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 17મી જૂનના દિવસે તેઓ સવારે દસેક વાગ્યાની આસપાસ અખબારનગર બસ સ્ટેન્ડ પાસે કામ પર જવા માટે ઊભા હતા. તે દરમિયાન એક બંટી-બબલી તેમની પાસે આવ્યાં હતાં. બંનેએ મહિલાને એક કાળા રંગમાં પેક પોટલી આપીને તેમાં પૈસા હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોતાને ખોલતા આવડતું ન હોવાનું કહીને મહિલાને ખોલી આપવા માટે કહ્યું હતું.
જોકે, આ દરમિયાન ગઠીયાઓએ મહિલાને એવું જણાવ્યું હતું કે, અમને તમારા પર વિશ્વાસ નથી. તમે ક્યાંક બંડલ લઈને જતા રહો તો? આવું કહીને બંનેએ મહિલાના દાગીના લઈને બંડલ ખોલવા માટે આપ્યું હતું. જે બાદમાં મહિલાએ થોડે દૂર જઈને આ બંડલ ખોલ્યું તો તેમાંથી કાગળના પૂંઠા નીકળ્યા હતા. જે બાદમાં મહિલા તાત્કાલિક બંટી-બબલી પાસે પહોંચી હતી. ત્યાં આવીને મહિલાએ જાણ્યું કે બંટી-બબલી તો રિક્ષામાં બેસીને પલાયન થઈ ગયા છે. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસ તપાસ શરૂ કરી છે.