રાજ્યમાં હવે પાંચ દિવસ જ Corona માટે રસીકરણ થશે, બુધવાર-રવિવારે રજા રખાશે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. પરંતુ બુધવારે કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો જોવા મળતા ફરી કેસમાં વધારાની દહેશત વ્યાપી છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના રસીકરણની ગતિને ધીમી કરી છે. ગુજરાતમાં હવે અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર બુધવારે મમતા દિવસ અને રવિવારે આરોગ્યકર્મીઓની રજાને કારણે બે દિવસ રસીકરણ બંધ રહેશે.
ગુજરાતમાં અત્યાર સુધી 2.85 કરોડનું રસીકરણ થયું
એક તરફ સરકાર રાજ્યમાં વધુમાં વધુ લોકો રસી લે તે માટે રસીકરણ મહાઅભિયાન ચલાવે છે અને બીજી બાજુ બે દિવસ રજા રાખીને આ રસીકરણનાં વેગને ધીમો પાડી રહી છે. રાજ્યમાં રસી મૂકાવનારાની ટકાવારીની વાત કરીએ તો, રાજ્ય સરકારનાં રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધી 2.85 કરોડનું રસીકરણ થયું છે જેમાં 2.19 કરોડને પહેલો ડોઝ જ્યારે 65 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે. 18 વર્ષથી વધુની રસી માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 44%ને પહેલો અને 13%ને બંને ડોઝ અપાયા છે. જો આ વેગે રસીકરણનું મહાઅભિયાન ચાલશે તો આખા ગુજરાતને રસી મૂકતા કેટલાય 7 મહિનાથી વધુનો સમય લાગી શકે છે.
આજથી શાળા-કોલેજો ઓફલાઇન શરૂ
આજે 15મી જુલાઇથી રાજ્યમાં ધો.12ની ઓફલાઈન સ્કૂલો, કોલેજો, હોસ્ટેલ શરૂ કરવા માટેની સરકારે જાહેરાત કરી હતી. 15 જુલાઈથી સ્કૂલો-કોલેજો શરૂ કરવાનો પરિપત્ર-માર્ગદર્શિકા 24 કલાક અગાઉ 14મીને બુધવારે જાહેર કરાયો અને તેમાં પણ વાલીના સંમતિપત્રક લેવાનો આદેશ શિક્ષણ વિભાગે કરતા સંચાલકો કફોડી હાલતમાં મુકાયા છે. તો બીજી તરફ આજથી રિપિટર્સની પરીક્ષા પણ શરૂ થઇ રહી છે. જો એક સાથે આટલા વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશશે તો ચોક્કસ શાળાનાં પ્રસાશને ધ્યાન રાખવું પડશે.
મંગળવારની તુલનામાં કોરોના કેસમાં વધારો
મહત્ત્વનું છે કે, બુધવારે રાજ્યમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા છે જે મંગળવારે નોંધાયેલા 31 કેસની તુલનામાં 10 કેસ વધારે છે. જ્યારે 71 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી. રાજ્યમાં કેસની સંખ્યા સતત ઘટી રહી છે.