જામનગરમાં કોરોનાને કારણે એક જ પરિવારનાં ત્રણ સગા ભાઇઓનાં મોત, વેપારીઓ સ્તબ્ધ
કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાતને ધીરે ધીરે પોતાના ભરડામાં લઇ રહ્યું છે. જો શહેરોની વાત કરીએ તો પહેલા અમદાવાદ પછી સુરત અને હવે રાજકોટ અને આસપાસનાં વિસ્તારોમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે જામનગરથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે. જામનગરનાં અગ્રણી લોહાણા વેપારી પરિવારનાં એકસાથે 11 લોકો કોરના સંક્રમિત થયા હતા જેમાંથી ત્રણ સગા ભાઇઓનાં કોરોનાના કારણે નિધન થયા છે. આ સમાચારથી પરિવારની સાથે વેપારી સમાજમાં પણ લોકો સ્તબ્ધ થઇ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે, જામનગરનાં ગ્રેઇન માર્કેટના અગ્રણી વેપારી તેમજ કો.કો. બેંકના ચેરમેન પ્રવીણભાઇ ચોટાઇ સાથે તેમના અન્ય ત્રણ ભાઇઓ વિનુભાઇ ચોટાઇ, મનુભાઇ ચોટાઇ, હરીશભાઇ ચોટાઇ સહિત સમગ્ર પરિવારના 11 સભ્યો કોરોનાના ભરડામાં આવ્યા હતા. આ તમામને જી. જી હૉસ્પટિલનાં કોવિડ વોર્ડનાં સારવાર માટે દાખલ કરાયા હતા. જે પૈકી પ્રવીણભાઇ ચોટાઇ સાથે અન્ય સાત સભ્યો કોરનાની સામે જીતીને ઘરે પરત ફર્યા છે અને હોમ આઈસોલેશનમાં છે. જ્યારે તેમના ત્રણ ભાઇઓ વિનુભાઇ, મનુભાઇ અને હરીશભાઇએ કોરોનાને કારણે જી. જી હૉસ્પટલમાં દમ તોડ્યો છે. સૌથી પહેલા વિનુભાઇએ અંતિમ શ્વાસ લીધા, પાંચ દિવસ બાદ મનુભાઇએ અને ગઇકાલે ત્રીજા હરીશભાઇએ પણ જી.જી હૉસ્પિટલમાં દમ તોડ્યો છે. જેના કારણે આખા શહેરમાં ઘેરા શોકના પ્રત્યાઘાતો પડ્યા છે.
રવિવારે જામનગરમાં કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો, કોરોનાગ્રસ્ત વધુ 5 દર્દીના સારવાર દરમ્યાન મોત નિપજયા છે. શહેર-જિલ્લામા વધુ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 97 અને જિલ્લામાં 9 દર્દી સંક્રમિત થયા છે. જેથી એકટીવ કેસનો આંકડો 392 પર પહોંચ્યો છે.