અમિત શાહે પરિવાર સાથે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી
અમદાવાદ: આજે અષાઢી બીજે જગતના નાથ જાતે જ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. આજે 12મી જુલાઇએ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે. આજે કોરના પ્રોટોકોલ સાથે અને ભક્તો વગર જ ભગવાન જગન્નાથની રથયાત્રા નગરચર્યાએ નીકળશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી.
ભગવાનની આંખોનાં પાટા દૂર થયા
મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવશે. મંગળા આરતી માં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા દૂર કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલો પ્રસાદ ધરાવાયો
દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજીના ચરણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલી પ્રસાદી ધરાવવામાં આવી છે. વડાપ્રધાને મોકલેલી પ્રસાદીમાં મગ-કાકડી-જાંબુ-કેરી-સૂકા મેવાનો સમાવેશ થાય છે.