સુરત: ચાર વર્ષની માસૂમ સાથે અડપલાં, બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો
સુરત: સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત શ્રમિક વિસ્તારોમાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. હવે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીરમાં રહેતો નરાધમ પ્રશાંત લક્ષ્મણ મોરે છૂટક મજૂરી કરતો હતો. તેના ઘર પાસે રહેતી એક બાળકી પર તેણે દાનત બગડી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની સામે પોક્સો એક્ટ અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
ગતરોજ પીડિત બાળકી ઘર નજીક રમતી હતી ત્યારે નરાધમ પ્રશાંતે ચાર વર્ષની માસૂમ પર દાનત બગાડી હતી. છોકરીને રમાડવાને બહાને તેના ઘરેમાં લઈ ગયો હતો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. આ સમયે બાળકી માતાએ બાળકી શોધવા માટે બૂમાબૂમ કરવા લાગતા યુવાન ડરી ગયો હતો અને બાળકીને મૂકીને ઘરની બહાર ભાગી ગયો હતો.
બાળકીના કપડાં અસ્તવ્યસ્ત હોવાને કારણે માતાને બાળકી સાથે કંઈક અજુગતું બન્યું હોવાનું લાગતા ઘરે જઈને તેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બાળકીએ પ્રશાંત મોરેએ શારીરિક અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં બાળકીની માતા તાત્કાલિક બાળકીને લઇને પોલીસમાં મથકે દોડી ગઈ હતી અને યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.