વડોદરા: સ્વિટી સાથે ફૂલહાર કર્યાનાં વર્ષ પછી PI દેસાઇએ અન્ય યુવતી સાથે કર્યા હતા લગ્ન

વડોદરા: પીઆઈ અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલને ગુમ થયાને એક માસથી વધુ સમય થયો પરંતુ હજી તેની કોઇ ભાળ મળી નથી રહી. હાલ પોલીસ તંત્રમાં પણ સ્વિટીને શોધવા માટેની તમામ કવાયતો કરવામમાં આવી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સ્વિટી ગુમ થઇ તેની આગળની રાતે જ સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે પૂર્વ પત્નીને છૂટાછેડા આપવા માટેનો ઝઘડો થયો હતો.
સ્વિટી પછી પીઆઈએ અન્ય એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા
પીઆઇ અજય દેસાઇ અને સ્વિટી વર્ષ 2015માં એકબીજાને મળ્યાં હતા. જે બાદ તેમની વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ પાંગરયો હતો. જેથી તેઓ પહેલા લિવઇનમાં રહ્યાં અને તે બાદ 2016માં સ્વિટી પટેલ સાથે ફુલહાર કર્યા હતા પણ 2017માં અજયે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન કરતાં જ સ્વિટીએ પીઆઇને બીજી પત્નીને છૂટાછેડા આપી પોતાને કાયદેસરની પત્ની કરવા માટે કહ્યું હતુમ. આ કારણે બંને વચ્ચે ઝઘડા થવા માંડયા હતા. આ કારણે તેઓ ઘર છોડીને ભાગ્યા હોવાનું પણ એક અનુમાન છે.
સ્થાનિકો પ્રમાણે સ્વિટી રાતે 9થી 10 દરમિયાન બહાર ગઇ હતી
આ કેસમાં નવો વળાંક પણ આવ્યો છે. અજય અને સ્વિટી પ્રયોશા સોસાયટીમાં રહેતા હતા. ત્યાંના સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે, સ્વિટી છેલ્લે રાતે 9થી 10નાં ગાળામાં કોઇ કારમાં બેસીને જતા જોયા હતા. પરંતુ અજયનાં પોલીસમાં જણાવ્યાં પ્રમાણે, સ્વિટી રાતનાં એક વાગ્યાથી સવારનાં 8.30 કલાક વચ્ચે ગુમ થયાનું જણાવ્યું છે.
તો આમા સવાલ એ પણ છે કે, શું સ્વિટી બહાર જઇને પાછી ઘરે આવી હશે કે પછી અજય જાણી જોઇને ખોટું બોલી રહ્યો છે. જોકે, હાલ પોલીસે સોસાયટી પાસેથી સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે પરંતુ સાસાયટી પાસે માત્ર 15 દિવસ પહેલાનાં જ સીસીટીવી ફૂટેજ હોય છે.
પાસપોર્ટ પણ એક્સપાયર્ડ
મળતી માહિતી પ્રમાણે, સ્વિટીનો પાસપોર્ટ પણ 20મી જૂનના રોજ એકસ્પાયર્ડ થઇ ગયો હતો. જેથી તે વિદેશ પણ જઇ શકે નહીં. જોકે, હાલ પોલીસ સોસાયટીનાં પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે.