વડોદરા : પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની સ્વીટી પટેલ લાપતા, એક મહિનો થયો છતા ન મળી આવતા રહસ્ય ગૂંચવાયું

વડોદરા : વડોદરા જિલ્લાના SOG PI અજય દેસાઈના પત્ની ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી ગુમ થયા છે અને તેમનો કોઈ પતો ન મળતા હવે આ મામલે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપીને આની તપાસ સોંપવામાં આવી છે. જ્યારે અજય દેસાઈને વડોદરા જિલ્લા પોલીસ દ્વારા લીવ રિઝર્વ પર મોકલી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ દેસાઈની પોલીગ્રાફી ટેસ્ટ સહિતની કામગીરી પણ કરવામાં આવશે. ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરના જ પત્ની લાપતા થઈ જતા રહસ્ય ગૂંચવાયું છે અને શંકાની સોઈ પીઆઈ પર પણ ઉઠી રહી હોય તેવું લાગી રહ્યું છે.
બનાવની વિગતો એવી છે કે વડોદરા જિલ્લા SOG પીઆઇ અજય દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સ્વીટી ગત. 6 જુનના રોજ સ્વીટીબેન પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ગયાં હતાં. સ્વીટીબેનની ઘર તથા આપસાપ ભાળ નહિ મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ ઘટનાના પાંચ દિવસ બાદ તા.11 જુનના રોજ સ્વીટીબેનના ભાઇ જયદિપ પટેલે (રહે.આણંદ) બપોરે કરજણ પોલીસ મથકમાં ગુમની જાણ કરી હતી. કરજણ પોલીસે બપોરે 3.50 કલાકે જયદીપ પટેલની ફરિયાદને આધારે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી. કરજણ પોલીસને 24 દિવસથી સ્વીટીબેનનો કોઈ પત્તો લાગી શક્યો નથી. ઘટનાની જાણ થતા ગતરોજ ઉચ્ચ કક્ષાએથી મામલાની વધુ તપાસના આદેશો છુટતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.