65 વર્ષ જૂનું એએમટીએસ લાલ દરવાજા ટર્મિનલ હવે હેરિટેજ થીમ પર તૈયાર થશે, જાણો શું હશે ખાસિયત

અમદાવાદ : અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોએ દરજ્જો આપ્યો છે. અમદાવાદ શહેરની શાન ગણાતી લાલ બસ એક ભવ્ય ભૂતકાળ સાથે આજે પણ શહેરમાં માર્ગો પર દોડી રહી છે. અમદાવાદ શહેરને હેરિટેજ સિટી જાહેર કરાયું છે ત્યારે શહેરનું સૌથી જૂનું એએમટીએસ ટર્મિનલ પણ કઇક અલગ જ હોવું જોઇએ. એએમટીએસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લાલ દરવાજા ટર્મિનલને હેરિટેજ થીમ આપવા માટે મથામણ કરાઇ રહી હતી . આખરે હેરિટેજ થીમ પર બનાવવા મંજૂરી મળી છે.
એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે એએમટીએસ લાલ દરવાજા ટર્મિનલ 65 વર્ષ પહેલા એટલે કે 1955-56ના સમયે છાપરાવાળુ તૈયાર થયું હતું . ત્યાર બાદ સમયાંતરે તેમાં ફેરફાર કરાયા હતા. પરંતુ અમદાવાદ શહેરને જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી દરજ્જો આપવામા આવ્યો હોય ત્યારે શહેરની શાન ગણાતા એએમટીએસ બસ ટર્મિનલ પણ હેરિટેજ હોવા જોઇએ. જેથી એએમટીએસ લાલ દરવાજા ટર્મિનલને હેરિટેજ થીમ પર એક વર્ષમાં તૈયાર કરાશે.