વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની એક્ટિવિટી વધશે. પણ 11 તારીખે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાઈ શકે છે. જેને લઈ 10 તારીખથી જ વધી શકે છે વરસાદની એક્ટિવિટી. મતલબ કે, 10 તારીખથી ગુજરાતમાં મન મૂકીને વરસી શકે છે મેઘરાજા.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમા છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડાસાના માથાસુલિયા, ઝાલોદર, અમલાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો. અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ 98 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જે પૈકી 43 હજાર હેક્ટરમાં મગફળી, 21 હજાર હેક્ટરમાં સોયાબીન અને 9 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે.
8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી.
વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ ૧૩ ટકા જેટલો જ છે.
ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.