गुजरात

વડોદરા જિલ્લા SOG PIનાં પત્ની મહિનાથી રહસ્યમય રીતે ગુમ, મોબાઇલ ફોન અને બે વર્ષનાં બાળકને પણ છોડીને ગયા

વડોદરા: જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઈનાં (SOG PI A. A Desai) પત્ની કરજણમાંથી રહસ્યમય સંજોગોમાં એક મહિના પહેલાથી ગુમ થઇ ગયા છે. 37 વર્ષનાં સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થયા છે. આ અંગે સ્વિટીબેનનાં ભાઇની ફરિયાદ બાદ જાણવાજોગ નોંધીને શોધખોળ શરૂ કરી છે. સ્વિટીબેન અને તેમના પીઆઈ પતિ દેસાઈને બે વર્ષનું બાળક પણ છે. તે પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે જ મૂકીને ગુમ થઇ ગયા છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાંનાં જયદીપ મહેન્દ્રભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારી બહેન સ્વીટી કરજણ નવાબજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં રહે છે. તેઓ તા.6 જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઇને કહ્યા વગર જતા રહ્યા છે. સ્વિટીબેનના ભાઇ જયદીપ મહેન્દ્રભાઇ પટેલે 11 જૂને કરજણ પોલીસમાં જાણ કરતાં જાણવા જોગ નોંધીને શોધખોળ શરૂ કરાઈ હતી.

કરજણ પોલીસ દ્વારા ગુમ થયાની અરજી બાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, હજી સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી. જેથી આખરે ડીએસપીએ એસઓજીના પીઆઇ અલ્પેશ દેસાઇના પત્ની સ્વીટી ગુમ થવાની તપાસ ડભોઇ ડીવીઝનના ડીવાયએસપીને સોંપવામાં આવી છે. સ્વીટીબેન પોતાનો ફોન ઘેર મૂકીને ગયા હોવાથી તેમને શોધવા માટે પણ પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે પોલીસે તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે.

Related Articles

Back to top button