અમદાવાદ: ઘરમાં એકલી સગીરા સાથે પાડોશીએ કર્યું ગંદુ કામ, માસિક ન આવતા ફૂટ્યો ભાંડો

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. એક સગીરા ઘરે એકલી હતી ત્યારે ઘર પાસે રહેતો એક શખસ ઘરમાં ઘુસી ગયો હતો. સગીરા ને અડપલા કરી ચુંબન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેવામાં જ અચાનક સગીરાની માતા આવી જતા બીકના માર્યે આ શખસ પલંગ નીચે છુપાઈ ગયો હતો. બીજીતરફ ગભરાયેલી સગીરા ખૂણામાં બેસી જતા તેની માતાએ પૂછપરછ કરતા આ શખસ ઝડપાઇ ગયો હતો. પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી પણ ત્યારે સગીરાએ કાંઈ ન થયું હોવાનું જણાવતા ફરિયાદ નોંધાઈ નહોતી. જોકે, સગીરા માસિકમાં ન આવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય મહિલા છૂટક મજૂરી કામ કરે છે. તેમના પતિ પણ મજૂરી કામ કરે છે. એક પુત્રીના લગ્ન થઈ જતા તે સાસરીમાં રહે છે જ્યારે એક સગીર પુત્ર અને 15 વર્ષની પુત્રી સાથે રહે છે. ગત એપ્રિલ માસમાં આ મહિલા તેનો પુત્ર અને પતિ તમામ લોકો મજૂરીએ ગયા હતા. ત્યારે 9 વાગ્યે નીકળેલી આ મહિલા બપોરે એકાદ વાગ્યે ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે ઘરમાં જઈને જોયું તો રસોડામાં તેની સગીર વયની પુત્રી ગભરાયેલી હાલતમાં બેઠી હતી. શુ થયું તેવું પૂછતાં આ સગીરાએ ઈશારો કર્યો હતો અને બાદમાં મહિલાએ તે બાજુ જોયું તો ખાટલા નીચે ત્યાં જ રહેતો એક શખસ છુપાયેલો હતો.
આ શખસને પકડી મહિલાએ પોલીસ બોલાવી હતી. જોકે મહિલાની દીકરીએ કોઈ અણબનાવ ન બન્યો હોવાનું જણાવતા તેઓએ કોઈ ફરિયાદ કરી નહોતી.પણ બાદમાં બે અઢી માસ થઈ ગયો હોવા છતાંય આ સગીરાને માસિક ન આવતા ફરિયાદી મહિલાએ પુત્રીને વિશ્વાસમાં લઈ પૂછતાં તેને સમગ્ર હકીકત કબૂલી હતી.
સગીરાએ જણાવ્યું કે, તેની માતા, ભાઈ અને પિતા મજૂરી કામે ગયા ત્યારે આ શખસ ઘરમાં આવી ગયો અને બાદમાં બાથમાં લઇ સગીરાને ચુંબન કરવા લાગ્યો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હતો. બાદમાં સગીરા ગભરાઈ જતા શખશે તકનો લાભ લઇ સગીરા સાથે બે વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. પણ ત્યારે જ સગીરાની માતાને દૂરથી આવતી જોતા તે શખ્સ છુપાઈ ગયો હતો અને સગીરા ગભરાયેલી હોવાથી કપડાં પહેરીને રસોડામાં બેસી ગઈ હતી.