गुजरात

અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફળ સર્જરી | Ahmedabad News Kheda Dwija who was born without an esophagus successful surgery Civil Hospital


Ahmedabad News: કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે, અને આ ઉક્તિ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગે સાચી સાબિત કરી છે. જન્મથી જ અન્નનળીની ગંભીર ખામી સાથે જન્મેલી ખેડાની 5 વર્ષની માસૂમ દ્વિજાને અત્યંત જટિલ એવી ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ દ્વારા નવું જીવન અને નવો સ્વાદ મળ્યો છે. 5 વર્ષ સુધી ટ્યુબ વાટે ખોરાક લેવા મજબૂર બનેલી દ્વિજાએ જ્યારે પહેલીવાર મોંથી કોળિયો લીધો, ત્યારે તેના માતા-પિતા ભાવુક થઈ ઉઠ્યા હતા.

શું હતી દ્વિજાની જટિલ બીમારી?

ખેડાના શિક્ષક વૈભવભાઈ મહેતાની દીકરી દ્વિજાને જન્મથી જ ‘ઈસોફેજીયલ એટ્રેશિયા’ (અન્નનળી ન હોવી) નામની ગંભીર બીમારી હતી. આ એક એવી દુર્લભ ખામી છે જે 4000 માંથી માત્ર એક બાળકમાં જોવા મળે છે. જન્મ સમયે જ સિવિલના ડોક્ટરોએ ગળામાં કાણું પાડી લાળ બહાર કાઢવાની અને હોજરીમાં ટ્યુબ વાટે ખોરાક આપવાની વ્યવસ્થા કરી હતી.

માતા-પિતાની 5 વર્ષની અગ્નિપરીક્ષા

દ્વિજાના માતા કોકિલાબેન અને પિતા વૈભવભાઈ માટે પાંચ વર્ષ સુધી બાળકને ટ્યુબ વાટે પોષણ આપવું એ અગ્નિપરીક્ષા સમાન હતું. શરીરમાં લોહીની ખામી અને શરદી-કફ જેવી સમસ્યાઓને કારણે સર્જરી માટે 5 વર્ષ રાહ જોવી પડી હતી. આખરે દ્વિજાનું સ્વાસ્થ્ય સુધરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી અને તેમની ટીમે આ પડકાર ઉપાડ્યો હતો.

પ્રાઈવેટમાં 5 લાખનો ખર્ચ, સિવિલમાં મફત અને સફળ સારવાર

દ્વિજાના પિતાએ જ્યારે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી ત્યારે આ સર્જરીનો ખર્ચ 4 થી 5 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો હતો, જે મધ્યમવર્ગીય પરિવાર માટે પરવડે તેમ નહોતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કુશળતા પર ભરોસો રાખી તેઓ અહીં આવ્યા અને 17 ડિસેમ્બર 2025 ના રોજ ડો. રાકેશ જોષી, ડો. જયશ્રી રામજી અને ડો. સીમા (એનેસ્થેસિયા) સહિતની ટીમે સફળ સર્જરી કરી.

અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફળ સર્જરી 2 - image

કેવી રીતે થઈ સર્જરી?

આ જટિલ સર્જરીમાં બાળકની હોજરીને ઉપર તરફ ખેંચીને તેમાંથી કૃત્રિમ અન્નનળી બનાવવામાં આવે છે. સર્જરી બાદ કોઈ પણ આડઅસર વગર દ્વિજાએ પહેલીવાર મોં વાટે ખોરાક લેવાનું શરૂ કર્યું છે અને હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ’ જંગ

આશરે 18 હજાર બાળકો આવી ખામી

વર્ષ 2025માં 3 બાળકોને મળ્યું નવું જીવન: ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, દર વર્ષે દેશમાં આશરે 18 હજાર બાળકો આવી ખામી સાથે જન્મે છે. વર્ષ 2025માં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આવી 3 જટિલ ગેસ્ટ્રિક સર્જરી કરીને બાળકોના જીવનમાં સ્વાદ ભર્યો છે.



Source link

Related Articles

Back to top button