સુરત: મિત્ર સાથે ચેટિંગ કરતા મામીએ પકડી પાડી અને કહ્યું, ‘પ્પાને કહી દઇશ’, કિશોરીએ કર્યો આપઘાત
સુરત: આજકાલ કિશોરોના આપઘાતનાં કિસ્સાઓ વધી રહ્યાં હોય તેમ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સાયણમાં પણ આવો જ એક હૃદય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સામાં રહેતી 15 વર્ષની કિશોરી સોનાલી પ્રધાન સાયણમાં મામાના ઘરે આવી હતી. ત્યારે મામીને તે મિત્ર સાથે ફોનમાં ચેટિંગ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે મામીએ તેને ધમકાવીને કહ્યું હતું કે, પિતાને કહી દઇશ. જે વાતથી ગભરાયેલી કિશોરીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા મામાને ત્યાં આવી હતી. સાયણાનાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં આવેલી સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી.
આ અંગેની જાણ મામીને થઇ ગઇ હતી. જેથી તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.