ગુજરાતમાં આજથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, રાજ્યમાં 1,025 સેન્ટર ખાતે વેક્સીન ઉત્સવ

ગાંધીનગર: વિશ્વ યોગ દિવસ થી ગુજરાતમાં કોરોનાની રસી માટેના મહાભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગાંધીનગર ખાતે સેક્ટર-8માં આવેલા રસીકરણ કેન્દ્ર પરથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં વેક્સીનન અભિયાનને વધારે વ્યાપક બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ અભિયાન પ્રમાણે 18થી 44 વર્ષની વય વચ્ચેના લોકો હવે કોવિન એપ્લિકેશન કે વેબસાઇટ પર નોંધણી કરાવ્યા વગર સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને વેક્સીન લઈ શકશે. આ લોકોનું સ્થળ પર જ રસીકરણ કરવામાં આવશે. આજે રાજ્યમાં 1,025 સ્થળ પર એકસાથે વેક્સીન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ અલગ અલગ જગ્યાએ વેક્સીન અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.
વેક્સીન લેવા સીએમની અપીલ
આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, આપણે ગુજરાતને કોરોના મુક્ત અને વેક્સીન યુક્ત બનાવવા જઈ રહ્યા છીએ. આ સાથે જ તેઓએ લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરી હતી.
વૉક ઇન-વેક્સીનેશન
21મી જૂનથી ગુજરાતમાં વોક-ઇન વેક્સીનેશની શરૂઆત થઈ છે. એટલે કે હવે લોકો સીધા જ વેક્સીનેશન સેન્ટર ખાતે જઈને ત્યાં નોંધણી કરાવીને વેક્સીન લઈ શકે છે. હાલની વ્યવસ્થા પ્રમાણે વેક્સીન લેવા જતા પહેલા કોવિન એપ્લિકેશન અથવા વેબસાઇટ મારફતે નોંધણી કરાવવી ફરજિયાત છે. હવે વેક્સીન લેવા માંગતા લોકોની નોંધણી સ્થળ પર પણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતના વિવિધ શહેરોમાં ડ્રાઇવ ઇન વેક્સીનેશનનો પ્રયોગ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં વ્યક્તિ પોતાના વાહન સાથે જઈને વેક્સીન લઈ શકે છે.
શું ફાયદો થશે?
>> જે લોકો ઓનલાઇન નોંધણી નથી કરાવી શકતા તે લોકો હવે સીધા જ રસીકરણ કેન્દ્ર ખાતે જઈ શકશે અને સ્થળ પર નોંધણી કરાવીને રસી મૂકાવી શકશે.
>> અનેક લોકો તરફથી કોવિન એપ અને વેબસાઇટ મારફતે નોંધણી કરાવવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો કરવામાં આવી રહી હતી. હવે એ ઝંઝટમાંથી મુક્તિ મળશે.
>> સ્થળ પર જ નોંધણી થતી હોવાથી વધારે લોકો રસી મૂકાવવા માટે પ્રેરાશે.
>> ઓનલાઇન નોંધણીમાં પડી રહેલી મુશ્કેલીને પગલે રસીકરણ અભિયાન મંદ પડી ગયું હતું. હવે તેમાં ઝડપ આવશે.