બાપુની થશે કૉંગ્રેસમાં વાપસી? શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની બંધ બારણે થઇ બેઠક
ગાંધીનગર: ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઇ રહી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં (Congress) ફરીથી ઘરવાપસી થવાના ભણકારા વાગી રહ્યાં છે. બાપુ કૉંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યાં છે. જોકે, બાપુ કૉંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગેનો આખરી નિર્ણય તો દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ (Delhi high command) જ કરશે.
બાપુ કૉંગ્રેસનીમ જોડાવવા તત્પર
બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેના ભણકારા વાગી રહ્યાં છે. બુધવારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. જે બાદ બાપુ કૉંગ્રેસમાં જોડાવવા તત્પર છે તે અંગેની અટકળો તેજ બની છે. આ પહેલા પણ બાપુ જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી હતી. બાપુ ભરતસિંહનાં પિતા માધવસિંહને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. જે બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચૂકી છે.