રાજ્યમાં ટપોટપ પ્રગટ થઇ રહ્યાં છે ‘મેગ્નેટ મેન’, વિજ્ઞાન જાથાએ આ અંગે કર્યો મોટો ખુલાસો

રાજ્યમાં મેગ્નેટ મેનના એક બાદ એક કિસ્સા વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો શરીર પર ધાતુ અને પ્લાસ્ટિકની વસ્તુઓ મેગ્નેટની જેમ ચોંટવા માટે રસીકરણનું કારણ આગળ ધરી રહ્યા છે. આ અંગે વિજ્ઞાન જાથા સંસ્થાના સંચાલક, જયંત પંડ્યાએ લોકોને અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
શરીર પર મેગ્નેટની જેમ લોખંડની વસ્તુઓ ચોંટી જતી જોય તેવા દાવા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયો જોઈને લોકો પોતાના પર આ પ્રયોગ કરે છે અને જો શરીર પર વસ્તુઓ ચોંટી જાય તો પોતાના વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામં વાયરલ કરી દે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં લોકોએ પોતાના શરીર પર ચલણી સિક્કા, ચમચી સહિતના વાસણો અને મોબાઈલ ફોન શરીર પર લગાવ્યા છે.
સામાન્ય લોકો બાદ હવે તો નેતાઓ પણ મેગ્નેટ મેન બની રહ્યા છે. નડિયાદ પાલિકાના ભાજપના પૂર્વ સભ્ય પિયૂષ પટેલે પણ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે પોતાના શરીર પર લોખંડની વસ્તુઓ ચોંટતી હોવાનો દાવો કર્યો છે. આ માટે શરીરમાં મેગ્નેટિક ઈફેક્ટ પેદા થવાનો પણ દાવો કરાય છે, કેટલાક તો ત્યાં સુધી દાવો કરે છે કે, કોરોના વિરોધી રસી લીધી બાદ તેમના શરીરમાં મેગ્નેટિક ઈફેક્ટ આવી છે.
આ અંગે વિજ્ઞાન જાથા સંસ્થાના સંચાલક, જયંત પંડ્યાએ પોતાના શરીર પર આ રીતે લોખંડની વસ્તુઓ ચોંટાડીને બતાવી. આમ કરીને તેમણે લોકોને અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, પૃષ્ઠતાણ અને ગરમીમાં પરસેવાને કારણે આમ થવું સ્વાભાવિક છે. આ બાબતને શરીરની ચુંબકીય શક્તિ સાથે સાંકળવી એ સદંતર ખોટી વાત છે.