ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, આગામી બે દિવસ આ વિસ્તારો માટે છે ભારે
અમદાવાદ: ગુજરાતીઓને બફારાથી છૂટવાના એંધાણ મળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ IMDના જણાવ્યાં પ્રમાણે, ગુજરાત, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં સૂસવાટાભેર પવન સાથે 15 અને 16 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 48 કલાકમાં અહીં 6થી 7 સેમીનો વરસાદ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 14મી તારીખે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના અનેક વિસ્તારો જેમકે, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં, ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઠમાં હળવાથી સામાન્ય વરસાદ / વાવાઝોડાની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓમાં, કચ્છ જિલ્લા, દક્ષિણ ગુજરાત ક્ષેત્રના બાકીના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની શક્યતાઓ છે.