અમદાવાદમાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસનાં કેસમાં પણ ઘટાડો, બે મહિનામાં 984 દર્દીઓની થઇ સારવાર
અમદાવાદમાં કોરોનાવાયરસનાં સંક્રમણનાં કેસની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) છેલ્લાં 67 દિવસમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 984 દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી 551 દર્દીઓના શરીરમાં ફૂગ ગંભીર રીતે પ્રસરી ચૂકી હોવાથી તેમની સર્જરી કરવામાં આવી હતી. અત્યારે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસિના પહેલા કરતા ઓછા દર્દીઓ નોંધાઇ રહ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં નવાં દાખલ થતાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
551 દર્દીઓની સર્જરી કરવી પડી
સિવિલમાં જે 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી તેમાંથી આશરે 12 દર્દીઓની આંખ કાઢી નાંખવી પડી છે. મ્યુકોરની સારવારમાં વપરાતા એમ્ફોટેરિસિન લાયફોસોમલ ઇન્જેક્શનના વિતરણ માટે સિવિલ દ્વારા હવે નિષ્ણાત તબીબોની સમિતિ રચવામાં આવી છે. આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે. દર્દીની શારીરિક જરૂરિયાત, ફૂગનો ચેપ અને બ્લડ રિપોર્ટના વિવિધ માપદંડોના આધારે ઇન્જેક્શન અંગે નિર્ણય કરવામાં આવે છે.
સારવારનો ખર્ચ ઓછો થશે
બ્લેક ફંગસની સારવારમાં થનારા એન્ટી ફંગસ ઈન્ફેક્શનના ખર્ચને લઈને લોકો હેરાન થઇ રહ્યાં છે. હવે આવા દર્દીઓ અને તેમના પરિવાર માટે રાહતના સમાચાર એ છે કે, ડોક્ટરોએ એક એવી રીત શોધી છે જેનાથી ખર્ચ બે ગણો ઓછો થઈ શકે છે. કોરોના બાદ બ્લેક ફંગસ સામે લડી રહેલા દર્દીઓની સારવારના એક દિવસનો ખર્ચ લગભગ 35 હજાર રુપિયા છે. જે ઓછો થઈને ફક્ત 350 રુપિયા થઇ શકે છે. ડોક્ટરે સારવારની જે રીત શોધી છે તેમાં સાવધાનીથી દર્દીના બ્લડને ક્રિએટિનિન લેવલ પર નજર કરવાની છે. જે બાદ ઘણો ખર્ચ ઓછો થઈ જશે.