गुजरात

Junagadh : કોંગ્રેસના નેતાની હત્યા કેસમાં થયો મોટો ખુલાસોઃ કોણે અને કેમ કરી હત્યા?

જૂનાગઢઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ધર્મેશ પરમારની હત્યાના કેસમાં ભાજપના વોર્ડ નંબર-15ના મહિલા કોર્પોરેટરના પતિ સહિત 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ હત્યા કેસમાં ફરિયાદીએ જેના પર શંકા કરી છે, તેની તપાસ ચાલી રહી છે. પુરાવા હાથ લાગ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે. ધર્મેશ પરમાર પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર અને પૂર્વ કોર્પોરેટરના પતિ છે.

બે દિવસ પહેલા જૂનાગઢના બિલખા રોડ પર કોંગ્રેસ આગેવાન અને પૂર્વ કાઉન્સિલરના પતિ ધર્મેશ પરમારની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમજ હત્યાના અંજામ આપ્યા પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી.

બનાવના દિવસે જ 3 આરોપીઓને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ પછી વધુ 3 આરોપીને ઝડપી લેવાયા હતા. કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી, સંજય ઉર્ફે બાડીયો સુરેશ સોલંકી, ઋષિરાજ ઉર્ફે લાલો રશ્મિકાંત ઠાકોર, સુરેશ ઉર્ફે સૂર્યો સામત ખરા, રાહુલ ઉર્ફે બુલીયો રમેશ પરમાર અને રામજી ઉર્ફે રામભાઈ જીવરાજ વાળા સહિત છ આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ હથિયારો કબ્‍જે કરેલ છે.

જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, મૃતક ધર્મેશ પરમાર અને સંજય સોલંકી વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. મનપાની ચૂંટણી સમયે પણ અવારનવાર બંન્‍ને વચ્ચે રકઝક થઈ હતી. જેને લઇ સંજય સોલંકીએ ધર્મેશ પરમારની હત્યા કરવાનું કાવતરૂ રચ્યું હતું. કમલેશ ઉર્ફે મચ્છર તેના સગા ભાઈને આ કામ પાર ઉતારવા માટે જણાવેલ હતું. કમલેશ ઉર્ફે મચ્છરે તેના સાગરિતો સાથે રહીને ધર્મેશ પરમારને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

હત્‍યાના મુખ્ય કાવતરાખોર સંજય સોલંકીને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવાયો છે તેમજ એક આરોપીની જુનાગઢમાંથી ધરપકડ કરાઈ છે. બાકીનાને રાજકોટ નજીકથી ઝડપી લેવાયા હતા. સંજય ઉર્ફે બાડીયો સોલંકી નામનો આરોપી જુનાગઢ મનપાના વોર્ડ નં.15 ના મહિલા કોર્પોરેટર બ્રિજીશાબેન સોલંકીનો પતિ છે.

Related Articles

Back to top button